Kutch News: કચ્છના અબડાસા તાલુકાના ખારુઆ ગામની એક યુવતીનું લઘુમતી સમાજના યુવક દ્વારા અપહરણ કરવામાં આવતા પરિવારજનો દ્વારા દીકરીને પરત મેળવવા માટે કલેક્ટર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી યુવતીને ભગાડી જનાર યુવક ન ઝડપાતા આખરે પરિવારજનો ન્યાય માટે મેદાનમાં ઉતર્યા છે.
આશરે ચાર દિવસથી ધરણાં પર બેઠેલા માતા-પિતાની તબિયત અચાનક લથડતાં તેમને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પરિવારનો આક્ષેપ છે કે ખારુઆ ગામની યુવતીને ‘લવ જેહાદ’માં ફસાવીને ભગાડી જવામાં આવી છે.
દીકરી માટે ચાર દિવસથી કલેક્ટર કચેરીની બહાર વલખાં મારી રહેલા પરિવારને સ્થાનિક સંગઠનો અને સમાજનું સમર્થન મળ્યું છે. બુધવારે યુવતીના પરિવારના સમર્થનમાં એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વહેલી તકે યુવતીને શોધી કાઢવાની માગણી કરી હતી.
પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે, પરંતુ એક મહિના બાદ પણ યુવક અને યુવતીનો કોઈ પત્તો ન લાગતા પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ માતા-પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની એક જ માગ છે કે તેમની દીકરીને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવે.