કુમકુમ “આનંદધામ” – હીરાપુર ખાતે ચૈત્રી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

By: nationgujarat
24 Apr, 2024

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – આનંદધામ – હીરાપુર ખાતે ચૈત્રી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંજે ૬ – ૦૦ થી ૮ – ૦૦ સત્સંગ સભા – અને શ્રી અબજી બાપાશ્રીની વાતોની પારાયણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્યાન, ભજન, કીર્તન, શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ આદિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શ્રી હરિવલ્લભદાસજી સ્વામી અને શ્રીજી વિજય સેવા સમિતિના સભ્યો દ્વારા કીર્તન – ભક્તિ કરવામાં આવી હતી.

ત્યારબાદ શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી એ નેગેટીવ વિચારધારા તજી પોઝીટીવ વિચારધારા અપનાવવાથી સુખ પ્રાપ્ત થાય છે એ વિષય ઉપર પ્રવચન આપ્યા હતાં.

આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,છોડ પર ગુલાબ પણ છે, તો કાંટાઓ પણ છે.નદીમાં પાણી પણ છે, તો કાદવ પણ છે. સંસારી માણસોમાં ગુણો પણ છે, તો દોષો પણ છે. પ્રશ્ન આપણી દ્રષ્ટિનો છે…કાંટાઓને ગૌણ બનાવીને જો આપણે ગુલાબ પર નજર સ્થિર કરી શકીએ છીએ.

કાદવને અવગણીને જો આપણે પાણીને અપનાવી શકીએ છીએ અને,જીવોમાં રહેલા દોષોની ઉપેક્ષા કરીને જો આપણે એનામાં રહેલા ગુણો પર આપણી દ્રષ્ટિ સ્થિર કરી શકીએ છીએ તો, આપણને સદાય આનંદ રહેશે. તેથી આપણે દરેકમાંથી સારું દેખાય તે લઈ લેવું. હંમેશા પોઝટીવ વિચારધારાને અપનાવવી જોઈએ.

અંતમાં સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિ માટે છત્રી સ્થાન બનાવવામાં આવ્યું છે ત્યાં સંતો – હરિભક્તોએ સમૂહ આરતી કરી હતી.


Related Posts

Load more