તા.૧૭ ને શરદપૂર્ણિમાએ – ગુરુવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના સંસ્થાપક અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પથમ પટ્ટશિષ્ય સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ૧૦૩ પ્રાગટ્ય જયંતી હોવાથી સાંજે ૬ – ૦૦ થી ૮ – ૦૦ ધ્યાન,ભજન,શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ, કીર્તન ભક્તિ કરવામાં આવશે. છત્રી સ્થાને સામૂહીક આરતી કરવામાં આવશે.
આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી,શ્રી હરિવલ્લભદાસજી સ્વામી,શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી મહિમાગાન કરશે. અંતમાં સંતો – ભક્તો સામૂહીક પૂજન કરીને આરતી ઉતારશે.
રાત્રે ૮ -૦૦ થી ૯ – ૦૦ શરદપૂર્ણિમા નિમિત્તે રાસોત્સવ યોજાશે. અંતમાં ભગવાનને દૂધપૌઆનો પ્રસાદ ધરાવવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનો દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી એટલે સાધુતાની મૂર્તિ. સાધુગુણોનું શિખર.પોતાનું ૮૦ વર્ષનું સાધુ જીવન તેઓ એવી રીતે જીવ્યા છે કે, જેનાથી અનેક સાધુ – સંતો અને સત્સંગીઓને શ્રી સ્વામિનારાયણ ભગવાને પાળેલા નિયમો કેવી રીતે પાળવા જોઈએ તેની પ્રેરણા આજે પણ પ્રાપ્ત થઈ રહી છે.
શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ શ્રી ઈશ્વચરણદાસજી સ્વામીની આજ્ઞાથી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સવંત્ ૧૯૯૮ના ફાગણ સુદ ત્રીજના દિવસે દીક્ષા આપી. બંને એ સાથે મળીને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ ઈ.સ. ૧૯૪૮મા વિદેશની ભૂમિ (આફ્રિકા) ખાતે સૌ પ્રથમ પધારીને સત્સંગનો પ્રચાર ને પ્રસારની પહેલ પાડી હતી. તેઓશ્રીએ યુરોપ, અમેરીકા, કેનેડા,દુબઈ ખાતે ૮ થી વધુ વખત પધારીને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર ને પ્રસાર કર્યો છે. લંડનમાં ભવ્ય મંદિર પણ સ્થાપ્યું છે.તેમના કાર્યોથી પ્રેરાઈને લંડનમાં ઈ.સ. ર૦૧૪ મા હાઉસ ઓફ લોડ્સ તથા હાઉસ ઓફ કોમનમાં માનનીય બોબ બ્લેકમેન દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સિદ્ધાંતોને સાચવવા માટે જ અમદાવાદમાં આવેલા મણિનગરમાં જ સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમની સ્થાપના કરી હતી.
હાલ, શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિમાં હીરાપુર આનંદધામ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ
પધરાવીને છત્રી કરવામાં આવી છે,ત્યાં દર પૂનમે સત્સંગ સભા યોજવામાં આવે છે.
આવા વિરલ સંતના પ્રાગટ્યની ૧૦૩મી જયંતીએ આપણે કોટી કોટી વંદન કરીએ અને તેમણે આપેલા જીવન સંદેશને આપણે સૌ કોઈ જીવનમાં ચરિતાર્થ કરીએ અને સુખીયા થઈએ.