Gujarat Local Body Election: ગુજરાતમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન થવાનું છે. ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે અનેક જગ્યાએથી વિવાદ સામે આવ્યા છે. આ વચ્ચે ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકા પંચાયતની 16 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી. પરંતુ ચિખલોડ બેઠક પરથી તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે.
ચારેય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ગુજરાતમાં મહાનગર પાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની 16 બેઠકો પર પણ ચૂંટણી યોજાઈ રહી છે. ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠક પરથી તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને બે અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે.
ચિખલોડમાં અનોખો વિરોધ
નોંધનીય છે કે નવા સિમાંકન બાદ ચિખલોડ ગામનો કપડવંજથી ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેનો લોકો વિરોધ કરી રહ્યાં છે. હવે આ વિરોધ ચૂંટણીમાં પણ જોવા મળ્યો છે. ચિખલોડ બેઠક પરથી દરેક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભાજપ ઉમેદવાર ભાવનાબેન પરમાર, કોંગ્રેસ ઉમેદવાર સોનલબેન પરમાર અને અપક્ષ ઉમેદવાર ઈલાબેન શર્મા અને ધ્રુમાબેન શર્માએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે.
ચિખલોડ બેઠક પર ફાગવેલ તાલુકા પંચાયતમાં આવે છે. ત્યાં 26 એપ્રિલે મતદાન થવાનું હતું. પરંતુ લોકોમાં જોવા મળેલા રોષ બાદ ચારેય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. હવે આ બેઠક પર કોઈ ઉમેદવાર નથી. તેવામાં આગામી સમયમાં ચૂંટણી પંચ દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહેશે.