સુરત શહેરનાં ખજોદ ખાતે આવેલ ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગ દાવાનળ બની

By: Nation Gujarat Team
26 Mar, 2026

સુરત શહેરનાં ખજોદ ખાતે આવેલ ડમ્પિંગ સાઈટમાં ગતરોજ લાગેલી આગ પર કાબૂ મેળવવાનાં ફાયર વિભાગનાં હરસંભવ પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. ગઈકાલ બપોરથી આજે સુધી ફાયર વિભાગનાં જવાનોનાં ભારે પ્રયાસો વચ્ચે હજી પણ આગની જવાળાઓ અને ધુમાડાનાં ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. સફાઈ કૌભાંડનાં પાપે જવાબદારોને છાવરવા માટે આગ લગાવવામાં આવી હોવાની ચર્ચાઓ વચ્ચે હવે ખુદ ફાયર વિભાગ માટે પણ આ વિકરાળ આગ પર કાબુ મેળવવા માટે લોઢાનાં ચણાં ચાવવા જેવી સ્થિતિ સર્જાવા પામી છે. સેંકડો લિટર પાણીનો છંટકાવ કરવા છતાં ડમ્પીંગ સાઈટમાં જાણે દાવાનળ ફાટી નીકળ્યો હોય તેમ આગ પર કાબુ મેળવવામાં હજી સુધી ફાયર વિભાગને ધરાર નિષ્ફળતા સાંપડી રહી છે.

કચરા કૌભાંડના કારણે સુરત મહાનગર પાલિકાની આબરૂનું પણ ધોવાણ થયું હતું સુરત મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યા બાદ ખજોદ ડમ્પીંગ સાઈટ પરથી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે બારોબાર અંતરિયાળ વિસ્તારોમાં આવેલ ખેતરોમાં કચરાનો નાશ કરવાનાં પ્રકરણને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. કચરા કૌભાંડના કારણે સુરત મહાનગર પાલિકાની આબરૂનું પણ ધોવાણ થયું હતું અને જે તે સમયે ઈજારદાર સીડી ટ્રાન્સપોર્ટ કંપની વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહીની સાથે સાથે જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી રૂપે બદલી પણ કરવામાં આવી હતી.

જ કે, આ સમગ્ર પ્રકરણમાં તપાસ સમિતિ પણ રચવામાં આવી હતી અને હજી સુધી તપાસ સમિતિની ગોકળગાય તપાસ વચ્ચે માત્ર 52 દિવસમાં જ ડમ્પીંગ સાઈટમાં વધુ એક વખત આગ ફાટી નીકળતાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે.

ફાયર વિભાગની ટીમ દ્વારા આગને અંકુશમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા ખાસ કરીને ડમ્પીંગ સાઈટ પર મોટા પ્રમાણમાં એકઠાં થયેલા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે છાશવારે આગ લગાડવામાં આવી રહી હોવાનાં આક્ષેપો પણ ઉઠવા પામ્યા છે. ગઈકાલે બપોરનાં સુમારે ડમ્પીંગ સાઈટ પર એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલી આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા રીતસરનાં હવાતિયાં મારવામાં આવ્યા હતા. દુર -દુર સુધી આગનાં ગોટેગોટા દેખાતાં શહેરીજનોમાં પણ એક તબક્કે ગભરાટની લાગણી જોવા મળી હતી.

જોકે, આખો દિવસ આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો બાદ રાત્રે પણ ફાયર વિભાગની ટીમ દ્વારા આગને અંકુશમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અલબત્ત, વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકેલી આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગનાં હરસંભવ પ્રયાસો વામણાં પુરવાર થઈ રહ્યા છે અને હજી પણ ડમ્પીંગ સાઈટ પરથી વિકરાળ આગનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

52 દિવસમાં જ બીજીવાર આગની ઘટનાએ આક્ષેપોનો દૌર શરુ કર્યો બે મહિના પહેલાં ખજોદ ખાતે આવેલ ડિસ્પોઝલ સાઈટ પરથી સાયન્ટીફિક રીતે કચરાનો નિકાલ કરવાને બદલે કોન્ટ્રાક્ટર સીડી ટ્રાન્સપોર્ટ દ્વારા મહુવા તાલુકાનાં કાંકરિયા ગામે અંદાજે 5 હજાર મેટ્રિક ટન કચરો ઠાલવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સુરત મહાનગર પાલિકામાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. તત્કાલીન કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા જવાબદાર એજન્સી વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાની સાથે-સાથે અધિકારીઓનાં પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

બીજી તરફ વિરોધ પક્ષ દ્વારા પણ આ ઘટનામાં પાલિકાનાં વહીવટી તંત્ર અને શાસકોની ભુંડી ભૂમિકા હોવાનાં આક્ષેપો વચ્ચે તપાસ સમિતિની નિમણૂંક કરવામાં આવી હતી. જો કે, બે મહિના બાદ પણ મંથરગતિએ ચાલી રહેલી તપાસને પગલે હવે જવાબદારોને બચાવી લેવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાની ચર્ચાઓ ઉઠવા પામી છે. માત્ર 52 દિવસમાં જ ખજોદ ડમ્પીંગ સાઈટ ખાતે બીજી વખત ભીષણ આગની ઘટનાને પગલે વધુ એક વખત આક્ષેપોનો દૌર શરૂ થઈ ગયો છે.

GPCB દ્વારા પાલિકા તંત્રને નોટિસ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ડમ્પિંગ સાઈટ પર લાગેલી ગંભીર આગ મામલે પાલિકા તંત્રને નોટિસ ફટકારવામાં આવી છે. અગાઉ GPCB દ્વારા કચરાના ઢગલાઓને નાના સેક્ટરમાં વિભાજિત કરી માટીનું લેયરિંગ કરવા સૂચના અપાઈ હતી પરંતુ, પાલિકા અને ઈજારદાર આ સૂચનાનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ બેદરકારીને પગલે હવે તંત્ર ભવિષ્યમાં આગ ફેલાતી અટકાવવા માટે સમગ્ર સાઈટને નાના પોકેટ્સમાં વહેંચવાની કામગીરી હાથ ધરશે. અત્યાર સુધીમાં 213 કરોડના ઈજારામાંથી કોન્ટ્રાક્ટરને 107 કરોડ ચૂકવાઈ ચૂક્યા છે, પરંતુ આ ઘટનાને પગલે હવે એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની અને નવા ઈજારદારની નિમણૂક કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.

અંદાજે 50 હજારથી 1 લાખ મેટ્રિક ટન જેટલો કચરો બળીને ખાખ આ ભીષણ આગમાં અંદાજે 50 હજારથી 1 લાખ મેટ્રિક ટન જેટલો કચરો બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન છે. 52 દિવસ પહેલા કરવામાં આવેલા સર્વે મુજબ અહીં 8 લાખ મેટ્રિક ટનથી ઓછો કચરો હતો. પાલિકા ઈજારદારને પ્રતિ મેટ્રિક ટન 900 ચૂકવે છે, તે મુજબ ગણતરી કરતા આગમાં નાશ પામેલા કચરાના કારણે ઈજારદારને અંદાજે 4.50 કરોડથી 10 કરોડ જેટલું આર્થિક નુકસાન વેઠવું પડશે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, બાકી નીકળતા 20 કરોડના પેમેન્ટમાંથી પેનલ્ટી અને બળી ગયેલા કચરાના પ્રોસેસિંગની રકમ કાપી લેવામાં આવશે.

નુકશાન જાણવા ડ્રોન ટેકનોલોજીનો સહારો નુકસાનનો સચોટ અંદાજ મેળવવા માટે તંત્ર દ્વારા ડ્રોન ટેકનોલોજીનો સહારો લેવામાં આવી રહ્યો છે. આગ લાગી તે સમયના ડ્રોન શોટ્સ અને વર્તમાન સ્થિતિના ડ્રોન સર્વેના આધારે કેટલો કચરો બળી ગયો છે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે એજન્સીને કયા કયા ચાર્જ ચૂકવવાના રહેતા નથી તેનું આખરી લિસ્ટ તૈયાર થશે. હાલમાં સર્વેની કામગીરી ચાલુ છે અને આગામી દિવસોમાં વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ પાલિકા દ્વારા આર્થિક અને વહીવટી દંડની આકરી કાર્યવાહી અમલમાં મૂકવામાં આવશે.


Related Posts

Load more