કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તાજેતરમાં કેરળમાં એક ચૂંટણી રેલી દરમિયાન ગુજરાત અને ગુજરાતીઓ વિશે કરેલી ટિપ્પણીથી મોટો વિવાદ સર્જાયો હતો. આ નિવેદનને લઈને ગુજરાત ભાજપે આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે “ગુજરાતના લોકો ભણેલા અને સમજદાર છે, પરંતુ કોંગ્રેસ નેતૃત્વને આ વાતની જાણ નથી”. ભાજપે તેને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું હતું.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેના નિવેદન મામલે આજે ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે આજે સવારે કર્ણાવતી મહાનગર ભાજપા કાર્યાલય ખાતેથી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કરોડો ગુજરાતીઓને ‘અભણ અને મૂર્ખ’ કહેવા એ માત્ર શબ્દો નથી, પરંતુ તે ૬.૫ કરોડ ગુજરાતીઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર અને ગુજરાતની ગરિમા તેમજ અસ્મિતાનું ઘોર અપમાન છે.
ડૉ. અનિલભાઈ પટેલે કોંગ્રેસની માનસિકતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શું કોંગ્રેસને ગુજરાતીઓથી કોઈ વેર છે? શું તેમને ગુજરાતીઓની મહેનત, બુદ્ધિક્ષમતા અને દેશપ્રેમ દેખાતો નથી? ગુજરાતની પવિત્ર ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, દયાનંદ સરસ્વતી, ડૉ. વિક્રમ સારાભાઈ અને કનૈયાલાલ મુનશી જેવા મહાન સપૂતો આપ્યા છે. આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારત વિશ્વ સ્તરે મજબૂત સ્થિતિમાં છે, ત્યારે કોંગ્રેસથી આ સહન થતું નથી. “જલ બિન મછલી” ની જેમ ૨૦૧૪થી સત્તા વિના તરફડતા કોંગ્રેસ અને તેમના યુવરાજને ઇતિહાસની કડવી યાદો સતાવે છે. નેહરુજીના સમયમાં સરદાર પટેલનો વિરોધ હોય, ઇન્દિરાજીને સત્તા વિહોણા કરનાર મોરારજીભાઈ દેસાઈ હોય કે હવે સતત ત્રણ વખતથી મોદી-શાહની જોડીએ છીનવેલી સોનિયાજીની સલ્તનત હોય, કોંગ્રેસ હંમેશા ગુજરાતીઓથી ખીજાયેલી રહી છે.
તેમણે કહ્યું કે, ખડગેજી કદાચ રાહુલ ગાંધીએ લખેલી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. ખડગેજીના દિલમાં ગુજરાત માટે નફરત હળાહળ ઝેર ભરેલું છે. હૈયે હોય તેવું હોઠે આવે. અગાઉ મોદીજીને ‘૧૦૦ માથાવાળા રાવણ’ કહેનારા ખડગેજી અત્યારે રાહુલજીની મોહબ્બતની દુકાનમાં વેચાતું નફરતનું ઝેર પી ગયા હોય તેવું લાગે છે. હજુ બે દિવસ પહેલા જ આસામમાં ભાજપા-RSS ને ‘ઝેરી સાપ’ કહી નમાજ પહેલા મારી નાખવાની વાત કરનાર ખડગેજીની જીભ પર જાણે ‘કિંગ કોબ્રાનો ડંખ’ લાગ્યો છે. ગુજરાતીઓને ‘કૌભાંડી’ કહેનારા રાહુલ ગાંધી અને હવે જનતાને ‘મૂર્ખ’ કહેનારા ખડગેજી માનસિક બીમાર હોય તેમ જણાય છે, તેમને તાત્કાલિક મનોવૈજ્ઞાનિક સારવારની જરૂર છે.
ડૉ. પટેલે કહ્યું કે, સરદારના સ્ટેચ્યુનો વિરોધ કોણ કરતું હતું? વાઈબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતમાં વ્યવસાય શરૂ કરનાર ઉદ્યમીઓને નોટિસો કોણે મોકલી હતી? નર્મદા યોજનામાં અવરોધો કોણે નાખ્યા અને ખેડૂતોની સબસિડીમાં કાપ કોણે મૂક્યો? ગુજરાત આજે જે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનો પર્યાય છે, તે કરોડો ગુજરાતીઓના પરિશ્રમનું ફળ છે, પરંતુ કોંગ્રેસને આ સફળતા ખટકે છે. રાજનીતિનું સ્તર આ હદે ઉતારી દેવું એ શાહી પરિવારની કોંગ્રેસની બૌદ્ધિક નાદારી બતાવે છે. કદાચ રાજ્યસભાના રિન્યુઅલ માટે ખડગેજી યુવરાજને ખુશ કરી રહ્યા છે.
અંતમાં તેમણે જણાવ્યું કે, દેશના GDPમાં ૮% ફાળો આપતું અને ફાર્મા, કેમિકલ, જેમ્સ એન્ડ જ્વેલરીમાં અગ્રેસર ગુજરાત ક્યારેય મૂર્ખ ન હોઈ શકે. ૩૦-૩૦ વર્ષથી જનતાએ સૂઝબુઝપૂર્વક કોંગ્રેસના ‘કાળા પંજા’ ને તિજોરી સુધી પહોંચવા દીધો નથી, ગુજરાતના કોઠાસૂઝવાળા નાગરિકો સમય આવ્યે EVM માં શાંતિપૂર્ણ રીતે જડબાતોડ જવાબ આપીને કોંગ્રેસના અહંકારને ચોક્કસપણે ચૂર-ચૂર કરશે.