વહેલી સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને નવસારી અને જૂનાગઢની હાલત ખૂબ જ ગંભીર બની છે. ત્યારે માત્ર બે કલાકમાં જ મેઘરાજાએ એવો કહેર વર્તાવ્યો કે સમગ્ર જૂનાગઢ શહેર દરિયામાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાય છે. ધસમસતા પાણીના પ્રવાહે જૂનાગઢવાસીઓને ધ્રુજાવી દીધા હતા. મોટાભાગના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. પાણીના પ્રવાહમાં અનેક કાર-બાઈક, કેબિનો રેકડીઓ તણાઈ રહી છે. લોકોનાં મકાનમાં પણ પાણી ઘૂસી ગયાં છે.
જૂનાગઢ જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે. જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં જમીન ત્યા જળ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. ગિરનાર અને દાતર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે ભવનાથ કાળવા ચોક અને મોતીબાગ વિસ્તારમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વાહનો તણાઇ ગયા છે. મકાનોમાં પાણી ભરાઇ ગયા છે. એક નજરે જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. લોકો જીવ બચાવવા ધાબે ચડી ગયા છે. મેઘરાજાએ કહેર વર્તાવતાં સ્થિતિ અતિગંભીર બની રહી છે. અનેક કારો તણખલાની જેમ તણાઇ રહી છે.
જૂનાગઢમાં આજે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ચાર કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું ગયું હતું. જેના પગલે જૂનાગઢમાં ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યું હતું. બીજી તરફ જૂનાગઢ શહેરમાં આજે 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
લોકોના હાલ બેહાલ
આજે જૂનાગઢવાસીઓએ વિચાર્યું પણ નહીં હોય કે અચાનક આ પ્રકારનો મેઘતાંડવ થશે. કુદરતના કહેર સામે હાલ જૂનાગઢવાસીઓ લાચાર જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદ ખાબકતા શહેરમાં લોકોના હાલ બેહાલ થયા છે સમગ્ર જૂનાગઢમાં હાલ જળ હોનારત થઈ હોય તેવુ સામે આવ્યું છે. મુબારક બાગ વિસ્તારમાં તો મકાનો ડૂબ્યા હતા. તેમજ જ્યા જૂઓ ત્યા પાણીનો પ્રવાહ વહી રહ્યો છે.