Junagadh : 16 જૂનથી ગિરનાર અને સાસણ ગીર સફારી 4 મહિના માટે બંધ

By: Nation Gujarat Team
15 Jun, 2026

વનરાજ સિંહોના ગઢ ગણાતા ગિરનાર અને સાસણ ગીરની મુલાકાત લેવા માંગતા પ્રવાસીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની ઋતુના આગમનને પગલે વન વિભાગ દ્વારા 16 જૂનથી ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને સાસણ ગીર સફારી પાર્ક પ્રવાસીઓ માટે આગામી 4 મહિના સુધી સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવશે

દેવડિયા, આંબરડી પાર્ક ખુલ્લા રહેશે

જોકે, ગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે સાસણ ગીર અને ગિરનાર સફારી ભલે બંધ રહે, પરંતુ જૂનાગઢ નજીક આવેલું પ્રખ્યાત દેવડિયા ઈન્ટરપ્રિટેશન ઝોન (ગીર નેશનલ પાર્ક) અને અમરેલી જિલ્લામાં આવેલું આંબરડી સફારી પાર્ક સમગ્ર ચોમાસા દરમિયાન પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે. જેથી પ્રવાસીઓ આ બંધ વેકેશન દરમિયાન પણ વન્યજીવો અને સિંહોના દીદારનો લહાવો માણી શકશે.

આજે સફારી પાર્કનો છેલ્લો દિવસ

આજે આ પ્રખ્યાત સફારી પાર્કનો ચાલુ સીઝનનો છેલ્લો દિવસ છે, અને આજ સાંજથી જ પ્રવાસીઓની એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. હવે આ બંને લોકપ્રિય સફારી પાર્ક આગામી 16 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લા મૂકવામાં આવશે.

ચોમાસા અંતર્ગત આ મોટો નિર્ણય લેવામાં આવ્યો

દર વર્ષની જેમ આ વર્ષે પણ વન વિભાગ દ્વારા ચોમાસા અંતર્ગત આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન સફારી બંધ રાખવા પાછળનું મુખ્ય વૈજ્ઞાનિક અને કુદરતી કારણ વન્યજીવોનો સંવનન કાળ છે. આ 4 મહિના દરમિયાન સિંહો સહિતના વન્યજીવોના પ્રજનન અને સંવનનનો સમય હોવાથી જંગલમાં સિંહણ અને તેના નવજાત બાળ સિંહોની સુરક્ષા અને પ્રાઈવસી જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. આ ઉપરાંત ચોમાસાના ભારે વરસાદમાં જંગલના કાચા રસ્તાઓ ધોવાઈ જતા હોવાથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાય છે.


Related Posts

Load more