અમદાવાદ સહિત ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ગિરનારના સૌંદર્યને માણવા માટે આવી રહ્યા છે. જૂનાગઢ ફરવા આવેલા કેટલાક પ્રવાસીઓએ સીડીઓ પર વહેતા પાણી અને વાદળો વચ્ચે ગિરનારને સર કરવાના અનુભવને રોમાંચક અને અદ્ભુત ગણાવ્યો હતો. તેમજ ગિરનાર પર ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠતાં અદ્ભુત સૌંદર્યને સ્વર્ગ સમાન ગણાવ્યો છે.

જૂનાગઢના ટુરિઝમમાં થયો વધારો

ચોમાસાની સિઝનમાં જૂનાગઢના ટુરિઝમમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશ વિદેશ અને ગુજરાતથી આવતા પ્રવાસીઓ ખાસ કરીને ગિરનારની સુંદરતાને માણવા માટે આવી રહ્યા છે. મનને પ્રફુલ્લિત કરી દે તેવા સૌંદર્ય વચ્ચે લોકો પોતાના પરિવાર સાથે વિકેન્ડ કે જાહેર રજાઓમાં ફરવા આવે છે. ગરવા ગિરનાર પર પ્રાકૃત્તિક સૌંદર્યને માણીને લોકો ખૂબ જ આનંદ કિલ્લોલ કરી રહ્યા છે.