Junagadh જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠક દરમિયાન આજે ભારે હોબાળો મચ્યો હતો. તંત્રની કામગીરીને લઈને સત્તાપક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ કડક વાંધો ઉઠાવતા બેઠકમાં ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા તંત્રની કામગીરીથી અસંતોષ વ્યક્ત કરી બેઠકમાંથી બહાર નીકળી જતા ઉપસ્થિત અધિકારીઓ અને સભ્યોમાં ચકચાર મચી ગઈ હતી.
ભગવાનજી કરગઠિયાએ જામવાડી ગામે વોકળા પર બનેલા ગેરકાયદે કોઝવેનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ગેરકાયદે બાંધકામને નોટિસ આપવામાં આવી હોવા છતાં તેને દૂર કરવામાં આવ્યું નથી. તંત્રની ઢીલી કામગીરી સામે રોષ વ્યક્ત કરતાં તેમણે ફરિયાદ સંકલન બેઠકને માત્ર “તમાશો” ગણાવી હતી અને બેઠકનો બહિષ્કાર કરીને બહાર નીકળી ગયા હતા. જોકે, બાદમાં અધિકારીઓએ તેમને સમજાવી ફરી બેઠકમાં જોડાવા મનાવ્યા હતા.
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ બેઠકમાં ખેડૂતોના નામે બોગસ મંડળીઓ બનાવવાના મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સાથે સંકળાયેલા કેટલાક લોકો ખેડૂતોની જાણ બહાર બોગસ મંડળીઓ બનાવી સંગઠિત કૌભાંડ આચરી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો કે આ મામલે રજૂઆતો છતાં તંત્ર કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી.
બેઠક દરમિયાન ઉઠેલા મુદ્દાઓને કારણે જિલ્લા વહીવટી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. સત્તાપક્ષના ધારાસભ્ય દ્વારા જાહેરમાં અસંતોષ વ્યક્ત કરવો અને વિપક્ષના ધારાસભ્ય દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા બેઠક ચર્ચાનું કેન્દ્ર બની હતી. જોકે, ગોપાલ ઇટાલિયાના આક્ષેપો અંગે સંબંધિત પક્ષો અથવા જિલ્લા તંત્ર તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.