Junagadh માં ભાજપનો વિરોધ, વોર્ડ નં. 1 ના કોર્પોરેટર અને વોટર વર્ક્સ કમિટીના ચેરમેન સુભાષ રાદડીયા બેઠા ધરણા પર

By: Nation Gujarat Team
07 Aug, 2026

Junagadh શહેરના વોર્ડ નંબર 1 માં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા અને બિસ્માર રોડ-રસ્તાઓની રાવ ઉઠી રહી છે. સ્થાનિક નાગરિકોની આ સમસ્યાઓ અંગે વૉર્ડના કોર્પોરેટર અને પદાધિકારીઓ દ્વારા છેલ્લા છ મહિનાથી સત્તાવાર રજૂઆતો કરવામાં આવી રહી હતી. તેમ છતાં તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ જ સંતોષકારક કામગીરી કે નક્કર નિરાકરણ લાવવામાં આવ્યું નહોતું. પોતાની જ મ્યુનિસિપાલિટીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે ભાજપના જ કોર્પોરેટરે વિરોધનો સૂર અપનાવ્યો છે.

6 મહિનાની રજૂઆત છતાં પરિણામ શૂન્ય

મનપા તંત્રની ઉદાસીનતાથી નારાજ થઈને વૉટર વર્ક્સ કમિટીના ચેરમેન સુભાષ રાદડીયાએ ગાંધી ચિંધ્યા માર્ગે એક દિવસીય ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે. આ ધરણાના માધ્યમથી તેમણે તંત્ર સામે કડક રોષ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં, આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી આપતા તેમણે જણાવ્યું છે કે આગામી બે દિવસની અંદર જો આ સમસ્યાઓનું કાયમી નિરાકરણ નહીં લાવવામાં આવે, તો પક્ષ કે પદની પરવા કર્યા વગર ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

જૂનાગઢ મનપામાં આંતરિક વિવાદ!

શાસક પક્ષના જ પદાધિકારી દ્વારા પોતાની મનપા વિરુદ્ધ ધરણા પર બેસી જવાની આ ઘટનાથી જૂનાગઢ મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. સ્થાનિક સ્તરે વિકાસના કામોને લઈને તંત્રના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે કે કેમ, તે અંગે હવે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. આગામી સમયમાં આ મામલે મનપાના ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે અને પ્રશ્નનો કેવી રીતે ઉકેલ આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.


Related Posts

Load more