કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી આપઘાત કર્યો

By: Nation Gujarat Team
22 Jan, 2026

અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલે પત્ની સાથેના ઝઘડા બાદ પત્નીને ગોળી મારી પોતે પણ આપઘાત કરી લીધો છે. માત્ર બે મહિના અગાઉ જ લગ્નગ્રંથિથી જોડાયેલા આ દંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર તકરાર થતા ખૂની ખેલ ખેલાયો.

યશરાજસિંહે પહેલા પત્ની પર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ 108ને જાણ કરી પોતે પણ પોતાના માથે ગોળી ધરબી દીધી હતી. વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે NRI ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

પતિ-પત્ની વચ્ચે થયેલાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું મળતી માહિતી મુજબ જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ રહેતા હતા. બંનેના બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા. ગત મોડી રાતે યશરાજ અને તેમના પત્ની રાજેશ્વરી વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડો વધુ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

108નો સ્ટાફ ઘરની બહાર નિકળતા જ યશરાજે પોતાને ગોળી મારી દીધી ઝઘડો વધતા યશરાજે પોતાની પાસે રહેલા લાયસન્સ વાળા હથિયાર વડે પત્ની રાજેશ્વરી પર ફાયરિંગ કર્યું હતું. પત્ની પર ફાયરિંગ કરતા પત્ની ઢળી પડી હતી, જેથી યશરાજે 108ને જાણ કરી હતી. 108 પહોંચતા તબીબ દ્વારા રાજેશ્વરીને મૃત જાહેર કરવામાં આવી હતી. 108નો સ્ટાફ ઘરની બહાર નિકળતા જ યશરાજે પણ પોતાના માથે હથિયાર વડે ગોળી મારી આપઘાત કરી લીધો હતો.

બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા બનાવ બનતા આસપાસના લોકો ભેગા થયા હતા. પોલીસને જાણ કરતા ઝોન 1 ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સમગ્ર બનાવમાં દંપતીનું મોત થયું છે. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ ઝઘડાનું કારણ જાણવા મળ્યું નથી, વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.


Related Posts

Load more