Morbi: જેતપરમાં કંપનીની દાદાગીરી સામે 15 ખેડૂતોએ મુંડન કરાવી નોંધાવ્યો વિરોધ,

By: Nation Gujarat Team
20 Jun, 2026

મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતોની જમીન અને અધિકારોની લડાઈ હવે વધુ ઉગ્ર અને ભાવનાત્મક વળાંક પર પહોંચી ગઈ છે. જેતપર પંથકમાંથી પસાર થતી ખાનગી કંપનીની હાઈટેન્શન વીજ લાઈન અને તેના માટે ખેતરોમાં ઊભા કરાતા મોટા વીજપોલના કારણે સ્થાનિક ખેડૂતોની કિંમતી જમીનો બરબાદ થઈ રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. કંપની દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના કે યોગ્ય વળતર આપ્યા વિના સરકારી બળપ્રયોગથી કામગીરી ચાલુ રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ છે. આ પ્રોજેક્ટના વિરોધમાં ગામના 9 જેટલા ધરતીપુત્રો છેલ્લા કેટલાય સમયથી આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે.

 અન્ય ખેડૂતોના ન્યાય માટે વાળ ત્યાગ્યા

આ લડાઈમાં આજે જેતપર ગામે ગુજરાતભરના ખેડૂત સંગઠનોનું ધ્યાન ખેંચે તેવી એકતાના દ્રશ્યો સર્જાયા હતા. ગામના એવા ૧૫ ખેડૂતો આગળ આવ્યા હતા, જેમના પોતાના ખેતરમાંથી આ વીજ લાઈન કે કોઈ કોરિડોર પસાર જ થતો નથી. એટલે કે ટેકનિકલી તેમને આ પ્રોજેક્ટથી કોઈ વ્યક્તિગત નુકસાન નથી. તેમ છતાં, ઉપવાસ પર બેઠેલા પોતાના જ ગામના 9 ખેડૂત ભાઈઓને મજબૂત સમર્થન પૂરું પાડવા અને કંપની-તંત્રની આંખ ઉઘાડવા માટે આ ૧૫ ખેડૂતોએ જાહેર ચોકમાં સામૂહિક મુંડન કરાવીને કાયમી યાદ રહી જાય તેવી ગાંધીગીરી કરી હતી. ખેડૂતોના આ પગલાંથી સ્થાનિક વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.

સરદારના માર્ગે સત્યાગ્રહની ચીમકી

મુંડન કરાવીને વિરોધ નોંધાવનારા અગ્રણી ખેડૂતોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ લડાઈ માત્ર થોડા ખેડૂતોની નથી, પણ સમગ્ર જેતપરના સ્વાભિમાનની છે. કંપની સત્તાના જોરે ખેડૂતોની ઊભી મોલાત પર બુલડોઝર ફેરવે તે અમે સહન નહીં કરીએ.” ખેડૂતોએ વહીવટી તંત્રને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર મોરબી જિલ્લો જોડાય તે રીતે પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગે ચાલીને મોટું લોક આંદોલન અને સત્યાગ્રહ છેડવામાં આવશે.


Related Posts

Load more