Jammu Kashmir: પ્રવાસે નીકળેલા ગુજરાતીઓને નડ્યું વિઘ્ન, ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી 60 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી

By: Nation Gujarat Team
11 Nov, 2026

Jammu Kashmir tempo traveler accident : જમ્મુ-કાશ્મીરના પર્વતીય માર્ગો પર અકસ્માતોની શ્રેણી ચાલુ જ છે. મંગળવારે મોડી રાત્રે ગાંદરબલ જિલ્લામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રવાસીઓને લઈને જઈ રહેલી એક ટેમ્પો ટ્રાવેલર અચાનક અનિયંત્રિત થઈને આશરે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં વાહનના ડ્રાઈવર સહિત કુલ 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમાંથી 8 પ્રવાસીઓની હાલત ખૂબ જ નાજુક હોવાનું જણાવાયું છે.

અકસ્માતમાં ગુજરાતના પ્રવાસીઓ ઈજાગ્રસ્ત
આ ટેમ્પો ટ્રાવેલર પ્રવાસીઓને લઈને સોનમર્ગથી શ્રીનગર તરફ જઈ રહી હતી. ગાંદરબલના કાંગણ વિસ્તારમાં આવેલા ગુંડ સુંબલ પાવર હાઉસ નજીક પહોંચતા જ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. વાહન રસ્તા પરથી લપસીને સીધું 60 ફૂટ નીચે ખીણમાં ગરકાવ થઈ ગયું હતું. આ ભયાનક ટક્કરમાં ગાડીના ફુરચેફુરચા ઊડી ગયા હતા. તેમાં સવાર તમામ 18 પ્રવાસીઓ લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા. આ ઘાયલ પ્રવાસીઓ અમદાવાદ-સુરત સહિત પંજાબના ગુરદાસપુર, પશ્ચિમ બંગાળના રહેવાસી છે.

પોલીસ અને સ્થાનિકોનું સંયુક્ત બચાવ અભિયાન
અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અંધારા વચ્ચે ઊંડી ખીણમાં ઉતરીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી સોનમર્ગ, ગુંડ અને ગનીવાનના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ભારે જહેમત બાદ તમામ લોકોને ખીણમાંથી બહાર કાઢીને પ્રાથમિક સારવાર માટે પીએચસી ગુંડ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. કાંગણના એસડીપીઓ રાજેશ રૈનાએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે વાહનમાં સવાર તમામ 18 લોકો ઘાયલ થયા છે.

8 ગંભીર ઈજાગ્રસ્તોને શ્રીનગર રેફર કરાયા
પીએચસી ગુંડના તબીબોએ તમામ મુસાફરોને પ્રાથમિક સારવાર આપી હતી. તેમાંથી ગુજરાત અને પશ્ચિમ બંગાળના 8 દર્દીઓની સ્થિતિ અત્યંત ગંભીર જણાતાં વધુ ઉત્તમ સારવાર માટે તાબડતોબ શ્રીનગરની પ્રખ્યાત SKIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેમની સઘન સારવાર ચાલી રહી છે.

ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ સંવેદના વ્યક્ત કરી
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે વરિષ્ઠ અધિકારીઓ, ગાંદરબલના ડેપ્યુટી કમિશનર અને SKIMS ના ડિરેક્ટર સાથે સીધી વાતચીત કરી હતી. તેમણે તમામ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને ઉત્તમથી ઉત્તમ તબીબી સારવાર આપવા તાકીદ કરી છે. આ સાથે તેમણે તમામ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score