નવી દિલ્હી : અમેરિકામાં આ વર્ષની શરૂઆતમાં કોઈને પણ જણાવ્યા વિના શાંતિથી એક નવો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામનું કામ દર્દીઓની જૂની દવાઓ જોઈને તેને ફરીથી દવાઓ આપવાનું (રિફિલ કરવાનું) છે. આનાથી તબીબી દુનિયામાં એક મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે: શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે એવા કામો કરવા માટે તૈયાર થઈ ગઈ છે, જે અત્યાર સુધી માત્ર ભણેલાં અને સરકારી લાયસન્સ ધરાવતાં ડોક્ટરો જ કરી શકતા હતા?
આ પ્રોગ્રામ અમેરિકાનાં યુટાહ રાજ્યનાં લોકોને ડોક્ટરના દવાખાને રૂબરૂ ગયા વિના જ, ’ડોક્ટ્રોનિક’ (Doctronic) નામનાં એક AI ચેટબોટ દ્વારા તેમની જૂની દવાઓ ઓનલાઈન મેળવવાની છૂટ આપે છે. દર્દીઓ અને દવા લખી આપનારા ડોક્ટરો માટે સારવારની પ્રક્રિયાને વધુ સહેલી બનાવવાની દિશામાં આ એક સામાન્ય પગલું લાગે છે. પરંતુ તે એક એવો નવો પ્રયોગ છે.
જેણે ડોક્ટરો, કાયદાનાં નિષ્ણાતો અને જાહેર આરોગ્યના જાણકારોની ચિંતા વધારી દીધી છે. આ પ્રાયોગિક પ્રોગ્રામે અનેક મોટા સવાલો સામે લાવી દીધાં છે; જેમ કે તબીબી ક્ષેત્રમાં AI પર અંકુશ કેવી રીતે રાખવો, ડોક્ટરો પાસે તેને ના પાડવાનો અધિકાર હોવો જોઈએ કે નહીં, અને દર્દીઓના જીવની સુરક્ષા માટે કેવા પ્રકારનાં સલામતીના પગલાં લેવા જરૂરી છે.
‘રેગ્યુલેટરી સેન્ડબોક્સ’
(ખાસ સરકારી છૂટછાટ)
યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના ડો. એરિક બ્રેસમેન અને અન્ય નિષ્ણાતોનું કહેવું છે કે તેઓ AI દ્વારા દવા લખી આપવાનાં વિચારની વિરૂધ્ધમાં નથી. પરંતુ તેમનું માનવું છે કે કમ્પ્યુટર માટે પણ માણસ જેવા ડોક્ટરો જેટલાં જ કડક નિયમો હોવા જોઈએ. સાચા ડોક્ટરો દર્દીઓની સારવાર કરવાનું લાયસન્સ મેળવતાં પહેલાં વર્ષો સુધી અનેક પરીક્ષાઓ અને આકરી તાલીમમાંથી પસાર થાય છે. ડો. બ્રેસમેને જણાવ્યું કે, ‘આપણે એક એવી હદ પાર કરી લીધી છે જ્યાં આપણે એક એવી વસ્તુને ડોક્ટર તરીકે કામ કરવાનું લાયસન્સ આપી રહ્યાં છીએ જે માણસ જ નથી, પછી ભલે આપણે તેને ગમે તે નામ આપીએ.’
ગયા માર્ચ મહિનામાં સરકારને લખેલાં એક પત્રમાં, મેડિકલ લાયસન્સ આપતાં બોર્ડના 11 સભ્યોએ આ પ્રોગ્રામને તાત્કાલિક રોકી દેવાની માંગણી કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે દર્દીની તપાસ કર્યા વિના આપોઆપ દવાઓ રીન્યુ કરવામાં મોટું જોખમ છે, કારણ કે કેટલીક દવાઓની ગંભીર આડઅસરો (સાઈડ ઈફેક્ટ્સ) થઈ શકે છે અથવા બે દવાઓ ભેગી થવાથી શરીરમાં તેની ખોટી પ્રતિક્રિયા થઈ શકે છે.
યુટાહ રાજ્યમાં ’ડોક્ટ્રોનિક’ કંપનીને આ પ્રોગ્રામ શરૂ કરવાની મંજૂરી એક ખાસ સરકારી નિયમ (’રેગ્યુલેટરી સેન્ડબોક્સ’) ને કારણે મળી હતી. આ નિયમ હેઠળ રાજ્યનાં અધિકારીઓ નવી અને આશાસ્પદ ટેકનોલોજી લાવતી AI કંપનીઓ માટે કાયદાઓમાં થોડી છૂટછાટ આપી શકે છે. હાલમાં આ પ્રોગ્રામની દેખરેખ પાંચ સભ્યોની એક કમિટી કરી રહી છે જેઓ AIના નિષ્ણાતો છે અને તેમાંથી કોઈ ડોક્ટર નથી.
આ કમિટીનું કહેવું છે કે તેમણે દર્દીઓની સુરક્ષા માટે ઘણા પગલાં લીધા છે. જેમ કે, પ્રોગ્રામના શરૂઆતના દિવસોમાં કંપનીના માણસ ડોક્ટરો આ AI ચેટબોટે મંજૂર કરેલી તમામ દવાઓની તપાસ કરે છે. જોકે, કંપની ટૂંક સમયમાં જ વચલા ડોક્ટરોને હટાવીને સંપૂર્ણપણે કમ્પ્યુટર સંચાલિત (ઓટોમેટેડ) રિફિલ સિસ્ટમ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
ડોક્ટ્રોનિક કંપનીનાં સહ-સ્થાપક ડો. એડમ ઓસ્કોવિટ્ઝે જણાવ્યું કે, ‘અમારો મુખ્ય હેતુ દર્દીઓને ઘરબેઠા સરળતાથી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે.’ તેમણે આ કંપની ટેકનોલોજી ક્ષેત્રના એક બિઝનેસમેન સાથે મળીને શરૂ કરી છે. તેઓ વધુમાં ઉમેરે છે કે, ‘અમે કાયદાકીય અને સરકારી નિયમોની ઝંઝટમાં બહુ ઊંડાઉતરવા માંગતા નથી.’
પ્રોસેસિંગ સમય અને પદ્ધતિ
નાગરિકો આ યોજના માટે ખાસ બનાવવામાં આવેલી ડોક્ટ્રોનિકની વેબસાઇટ પર જઈ શકે છે. ત્યાં પોતાની સાચી ઓળખ સાબિત કર્યા પછી, AI ચેટબોટ ગ્રાહકને તેમની જૂની દવાઓ અને અગાઉની બીમારીઓ વિશે પૂછે છે. ત્યારબાદ તે દેશનાં મેડિકલ સ્ટોર્સના ડેટાબેઝ સાથે કનેક્ટ થઈને તપાસે છે કે દર્દી પાસે જૂનું સાચું પ્રિસ્ક્રિપ્શન છે કે નહીં.
જો બધું બરાબર હોય, તો AI ચેટબોટ દવાને મંજૂરી આપીને તેને દર્દીની નજીકનાં મેડિકલ સ્ટોર પર ઓનલાઈન મોકલી આપે છે. પરંતુ જો કેસ થોડો અઘરો હોય કે વધુ તપાસની જરૂર લાગે, તો આ ચેટબોટ દર્દીને ડોક્ટ્રોનિકની જ ઓનલાઈન હોસ્પિટલ (ટેલિહેલ્થ સર્વિસ)માં બેસતા સાચા ડોક્ટર તરફ ટ્રાન્સફર કરી દે છે.
ડો. ઓસ્કોવિટ્ઝ ભવિષ્યનાં એક એવા સમયની કલ્પના કરે છે જ્યાં લેબોરેટરીના ટેસ્ટ ઓર્ડર કરવા અને રિપોર્ટ તપાસવા જેવા રોજનાં સામાન્ય તબીબી કામો કમ્પ્યુટર (ડોક્ટ્રોનિક)ને સોંપી શકાય. આનાથી ડોક્ટરોનો સમય બચશે અને તેઓ આજે જેટલાં દર્દીઓ જુએ છે તેના કરતાં હજારો ગણા વધારે દર્દીઓની સારવાર કરી શકશે.
બીજી તરફ, યુટાહના મેડિકલ બોર્ડનાં મુખ્ય અધિકારી ડો. એલન સ્મિથના જણાવ્યાં અનુસાર, દર્દીઓનાં જીવનું જોખમ સાચું છે. તેમણે જણાવ્યું કે ડોક્ટ્રોનિક જે 190 દવાઓ ઓનલાઈન આપી રહ્યું છે, તેમાં લોહી પાતળું કરવાની દવાઓ (બ્લડ થીનર્સ) પણ શામેલ છે.
જો દર્દીને પેટમાં ચાંદા (અલ્સર) પડ્યું હોય કે અંદરથી લોહી વહેતું હોય, તો આ દવા તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. સુરક્ષાની આવી ચિંતાઓને કારણે હવે હૃદયનાં અનિયમિત ધબકારા મટાડવાની દવા સહિત કેટલીક ગંભીર દવાઓને ઓનલાઈન યાદીમાંથી હટાવી દેવામાં આવી છે.
સમીક્ષા હેઠળ
(તપાસ અને રિપોર્ટ)
મેડિકલ બોર્ડના વડા ડો. સ્મિથે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ‘કોઈ દવા અગાઉ ડોક્ટરે લખી આપી હતી, તેનો અર્થ એવો નથી થતો કે તે દવા આજે પણ દર્દીનાં શરીર માટે એટલી જ યોગ્ય છે.’ ડોક્ટરોની સંસ્થા ’અમેરિકન મેડિકલ એસોસિએશને’ પણ આવી જ ચિંતાઓ વ્યક્ત કરતાં ચેતવણી આપી છે કે, ‘બીજી વાર દવા લખી આપવી એ કોઈ કમ્પ્યુટરની સામાન્ય ટીક-માર્ક (ચેકબોક્સ) જેવી રમત નથી.’
ડોક્ટ્રોનિક કંપની આ વર્ષનાં અંતમાં અન્ય મોટા ડોક્ટરો દ્વારા તપાસાયેલા પોતાનાં રિપોર્ટ જાહેર કરવાની યોજના બનાવી રહી છે. અત્યાર સુધી આ ટેકનોલોજી વિશેનો એકમાત્ર રિપોર્ટ કંપનીના પોતાના વૈજ્ઞાનિકોએ જ લખેલો છે, જેની બહારના કોઈ સ્વતંત્ર નિષ્ણાતે તપાસ કરી નથી. તે રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે ઓનલાઈન સારવારના 500 કેસમાંથી, ડોક્ટ્રોનિક કમ્પ્યુટરે આપેલું નિદાન 80 ટકા વખત સાચા માનવ ડોક્ટરોના નિદાન જેવું જ બરાબર હતું.
અમેરિકાની સરકારી દવા નિયમન સંસ્થા (ઋઉઅ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેમની એજન્સીએ હજી સુધી આવા કોઈ પણ AI ચેટબોટને સત્તાવાર મંજૂરી આપી નથી. પરંતુ તેઓ તબીબી ક્ષેત્રમાં થતા નવા પ્રયોગોને પ્રોત્સાહન આપવા અને દર્દીઓ સુધી નવી ટેકનોલોજી પહોંચાડવા માટે તૈયાર છે, બસ શરત એટલી કે દરેક નિર્ણયમાં દર્દીની સુરક્ષા સૌથી પહેલી હોવી જોઈએ.
હાલ પૂરતું તો એવું દેખાઈ રહ્યું છે કે, ડોક્ટ્રોનિક અને તેના જેવી અન્ય કંપનીઓ જુદા જુદા રાજ્યોના નિયમોનો લાભ લઈને દેશના અન્ય ભાગોમાં પણ પોતાનો આ બિઝનેસ ફેલાવવાની તૈયારી કરી રહી છે.