IPL Update – 10 ટીમે કુલ 77 ખેલાડીનાં સ્થાન ભરશે

By: nationgujarat
16 Dec, 2023

IPLની 2024 સીઝન અગાઉ મિની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે. એમાં તમામ 10 ટીમે કુલ 77 ખેલાડીનાં સ્થાન ભરવાનાં રહેશે, જેમાં 30 વિદેશી ખેલાડીનાં સ્થાન પણ છે. હરાજીમાં 333 ખેલાડીનાં નામ પર બોલી લાગશે. 214 ભારતીય અને 119 વિદેશી છે. હરાજીમાં ખર્ચ કરવા માટે ટીમો પાસે કુલ 262.95 કરોડ રૂપિયા રહેશે, જે IPL ઈતિહાસમાં કોઈપણ મિની હરાજી કરતાં સૌથી મોટી પર્સ સાઈઝ છે, જેમાં ગુજરાત ટાઈટન્સ પાસે સૌથી વધુ 38.15 કરોડનું પર્સ છે.

જ્યારે લખનઉ (13.15 કરોડ) પાસે સૌથી ઓછી રકમ છે. સૌથી મોટો પડકાર કોલકાતા સામે છે. તેની પાસે 32.70 કરોડ રૂપિયા છે, પરંતુ સ્કવૉડમાં 12 સ્થાન ખાલી છે. ચેન્નઈએ 31.40 કરોડ રૂપિયાના પર્સ થકી 6 સ્થાન ભરવાનાં છે. એક ટીમ સ્કવૉડમાં ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 25 ખેલાડી રાખી શકાય, જેમાં 8 વિદેશી ખેલાડી હોઈ શકે છે. જાણીએ તમામ ટીમો માટે જરૂરી ખેલાડીઓ વિશે….

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈની ટીમ અંબાતી રાયડુની નિવૃત્તિ બાદ તેના રિપ્લેસમેન્ટને શોધી રહી છે. મિડલ ઓર્ડરમાં પાવર હિટર ભારતીય બેટરની શોધમાં છે. બાકી 6 સ્લૉટ્સમાં ટીમ 1 વિદેશી ઝડપી બોલર કે ઓલરાઉન્ડરને સામેલ કરવા માગશે. ટીમ ભારતીય વિકેટકીપિંગ વિકલ્પ તરફ પણ ફોક્સ કરી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સઃ સ્લૉટ્સ-8, પર્સમાં રકમ- 17.75 કરોડ

ટીમ હજુ પણ વિદેશી ઓલરાઉન્ડરની શોધમાં રહેશે. મુંબઈના વિજયગાળાનાં ભાગ રહેલા પોલાર્ડનો યોગ્ય વિકલ્પ મળ્યો નથી. ટીમે હાર્દિકનાં ચક્કરમાં કેમરુન ગ્રીનને પણ રિલીઝ કરી દીધો. વિદેશી બોલર સાથે વિદેશી ઓલરાઉન્ડર મુંબઈ માટે વિનિંગ કોમ્બિનેશન રહ્યું છે. ટીમ ફરીથી તે સ્કિલસેટના ખેલાડીઓ શોધવાના પ્રયાસમાં રહેશે.

ગુજરાત ટાઈટન્સઃ સ્લૉટ્સ- 8, પર્સમાં રકમ- 38.15 કરોડ

ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિકનો વિકલ્પ શોધશે. ભારતીય સર્કિટમાં આવી સ્કિલવાળા ખેલાડીઓ મળવા મુશ્કેલ હોવાથી ટીમ વિદેશી ખેલાડી પર ફોક્સ કરી શકે છે. અલ્ઝારીને રિલીઝ કર્યા બાદ વિદેશી ઝડપી બોલર પણ ટીમ શોધી રહી હશે. એક સ્થાન ભારતીય વિકેટકીપરને સાહાના બેકઅપ તરીકે સામેલ કરવા માટે ભરી શકાય છે.​​​​​​​

કોલકાતાઃ સ્લૉટ્સ-12,પર્સમાં રકમ- 32.70 કરોડ​​​​​​​

કોલકાતાએ બાકી રહેલી રકમમાંથી લગભગ અડધી સ્કવૉડ તૈયાર કરવાની છે. સૌથી વધુ ફોકસ ઝડપી બોલર્સ પર રહેશે, કારણ કે- સાઉથી, ફર્ગ્યુસન, ઉમેશ યાદવ અને શાર્દૂલને રિલીઝ કરી દીધા છે. એક ભારતીય કીપર અને રસેલના વિકલ્પ તરીકે વિદેશી ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરની જરૂર પણ ટીમને હોવાનું જોવા મળે છે.

બેંગલુરુઃ સ્લૉટ્સ-6, પર્સમાં રકમ- 23.25 કરોડ

હેઝલવૂડ, હસરંગા, હર્ષલને રિલીઝ કર્યા. હવે 6 સ્લૉટ્સમાંથી 3માં તેમના વિકલ્પ શોધવાના રહેશે. ટ્રેડ કરેલા શાહબાઝ એહમદના સ્થાને ભારતીય ફિનિશર કે ઓલરાઉન્ડરને લઈ શકે છે. વિદેશી પેસર પર ફોકસ રહેશે, જે ટૉપ્લીનો બેકઅપ હોય અને સિરાજ સાથે નવા બોલથી બોલિંગ કરી શકે.

હૈદરાબાદઃ સ્લૉટ્સ-6, પર્સમાં રકમ- 34 કરોડ

ટીમે માત્ર 6 ખેલાડીને રિલીઝ કર્યા, એવામાં સ્કવૉડ લગભગ તૈયાર જોવા મળે છે, જોકે ઘણા ખેલાડીઓના બેકઅપની જરૂર પણ છે. સૌથી મોટી જરૂર એક વિદેશી સ્પિનરની છે, કારણ કે આદિલ રશીદ અને અકીલ હુસૈન હવે ટીમમાં નથી. એક મુખ્ય વિદેશી બેટર અને વિદેશી ઓલરાઉન્ડર પણ ટીમને જરૂર છે.

દિલ્હી કેપિટલ્સઃ સ્લૉટ્સ-9, પર્સમાં રકમ- 28.95 કરોડ​​​​​​​

રિષભ પંતના રમવા અંગે શંકા છે, એવામાં ટીમને એક ભારતીય ફિનિશર અને કીપર-બેટરની જરૂર છે. મિચેલ માર્શના બેકઅપમાં વિદેશી ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરને સ્કવૉડમાં સામેલ કરવાનો પ્રયાસ રહેશે. ભારતીય ઝડપી બોલિંગ બેકઅપ અને બેટરને પણ સામેલ કરવા માગશે.

પંજાબ કિંગ્સઃ સ્લૉટ્સ-8, પર્સમાં રકમ- 29.10 કરોડ​​​​​​​

પંજાબે નવી સીઝન અગાઉ ફિનિશર બેટર શાહરુખ ખાનને રિલીઝ કરી મોટું જોખમ લીધું. હવે આ સ્થાને તેણે ભારતીય બેટિંગ ઓલરાઉન્ડરની જરૂર રહેશે. સેમ કરનના બેકઅપ તરીકે વિદેશી ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરની પણ જરૂર છે. આ ખોટ સ્પિન ઓલરાઉન્ડર થકી પણ ભરી શકાય છે.

રાજસ્થાન રોયલ્સઃ સ્લૉટ્સ-8, પર્સમાં રકમ- 14.50 કરોડ​​​​​​​

ટીમ નવી સીઝન અગાઉ સંતુલિત જોવા મળે છે. બટલર, હેટમાયર, સેમસન, યશસ્વી જેવા મેચ વિનર છે. હોલ્ડરને રિલીઝ કર્યા બાદ વિદેશી ઓલરાઉન્ડરની ખોટ છે. બોલ્ટના બેકઅપમાં પણ વિદેશી બોલર પર નજર કરવી જોઈએ. પડ્ડિકલના સ્થાને ભારતીય બેટર અને રૂટના વિકલ્પ તરીકે વિદેશી બેટરને ટીમમાં સામેલ કરી શકે છે.​​​​​​​

લખનઉઃ સ્લૉટ્સ-6, પર્સમાં રકમ- 13.15 કરોડ​​​​​​​
દેવદત્ત પડ્ડિકલને સામેલ કરી ઓપનિંગ સ્લૉટ મજબૂત કર્યા. પેસર આવેશ ખાનને રિલીઝ કરતાં ટીમ એક ભારતીય ઝડપી બોલર કે ભારતીય ઓલરાઉન્ડર સામેલ કરવા માગશે. મિડલ ઓર્ડરમાં ભારતીય બેટરની પણ જરૂર લાગે છે. ડેનિયલ સેમ્સની ખોટ ના વર્તાય તેવા ખેલાડીને પણ ટીમ સામેલ કરવા માગશે.​​​​​​​


Related Posts

Load more