IPL 2024: ગુજરાત ટાઇટન્સે શમીના સ્થાને આ બોલરને ટીમમાં કર્યો સામેલ

By: nationgujarat
21 Mar, 2024

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024 22 માર્ચથી શરૂ થશે. પરંતુ તે પહેલા બે ટીમોમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. ગુજરાત ટાઇટન્સ (જીટી)ની ટીમમાં પ્રથમ ફેરફાર જોવા મળ્યો છે. ફ્રેન્ચાઇઝીએ અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના સ્થાને નવા બોલરના નામની જાહેરાત કરી હતી.

આ સિવાય હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ પણ શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મધુશંકાના સ્થાને નવા બોલરની જાહેરાત કરી છે. મધુશંકાને તાજેતરમાં બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી. આ પછી તેને IPLમાંથી પણ બહાર થવું પડ્યું હતું.

શમીના સ્થાને સંદીપ ગુજરાતની ટીમમાં જોડાયો

સૌ પ્રથમ ગુજરાતની વાત કરીએ જેમાં ફ્રેન્ચાઇઝીએ ઝડપી બોલર સંદીપ વોરિયરને શમીના સ્થાને લીધો છે, જે અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) તરફથી રમી ચૂક્યો છે. સંદીપે 2019માં IPLમાં ડેબ્યૂ  કર્યું હતું પરંતુ તેણે અત્યાર સુધી માત્ર 5 મેચ રમી છે, જેમાં તેણે 2 વિકેટ લીધી છે.

જ્યારે શમીએ હાલમાં જ સર્જરી કરાવી છે. આ કારણે શમી જૂનમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ 2024માં રમી શકશે નહીં. ગુજરાત ફ્રેન્ચાઈઝીએ શમીના સ્થાને સંદીપને 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો છે. KKR એ IPL 2022 મેગા ઓક્શન પહેલા સંદીપને રિલીઝ કર્યો હતો. આ પછી કોઈ ટીમે તેને લીધો નહોતો.

મધુશંકાના સ્થાને મફાકાની મુંબઇમાં એન્ટ્રી

આ સિવાય સાઉથ આફ્રિકાના ઝડપી બોલર ક્વેના મફાકા દિલશાન મધુશંકાના સ્થાને મુંબઈ ટીમ સાથે જોડાયો છે. 17 વર્ષના મફાકાએ તાજેતરમાં યોજાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વખતે તેણે IPL ઓક્શનમાં ભાગ લીધો હતો, પરંતુ તેને કોઈએ ખરીદ્યો ન હતો પરંતુ હવે તે મુંબઈની ટીમ સાથે જોડાઈ ગયો છે. પેસર મફાકા હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શક્યો નથી. એટલે કે તે હવે આઈપીએલમાં અનકેપ્ડ ખેલાડી તરીકે જોડાઈ ગયો છે. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે.


Related Posts

Load more