IPL 2025માં વિરાટ કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને કોહલી ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. પરંતુ હાલ વિરાટ કોહલી તેના પ્રદર્શનને લઈને નહીં, પણ અન્ય એક બબાતને લઈને ચર્ચામાં છે અને આ માટે તેને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા પણ કરવી પડી છે, ત્યારે આ લેખમાં જાણીશું કે સમગ્ર મામલો શું છે.
2 મેના રોજ વિરાટ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા આપી હતી. તેમાં લખ્યું હતું, ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મારી ફીડ ક્લિયર કરતી વખતે, એવું લાગે છે કે અલ્ગોરિધમે ભૂલથી એક ઈન્ટરેક્શન રજીસ્ટર્ડ કરી છે.’ આ પાછળ કોઈ ઈરાદો નહોતો. હું વિનંતી કરું છું કે કોઈ બિનજરૂરી ધારણાઓ ના બનાવવામાં આવે. તમારી સમજણ બદલ આભાર. હવે જાણીએ કે વિરાટે આ સ્પષ્ટતા કોના વિશે આપી છે.
અવનીત કૌર સાથે કનેક્શન
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સૌથી ફેમસ સેલિબ્રિટી કપલ્સમાંથી એક છે. તાજેતરમાં વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો. 30 એપ્રિલના રોજ અભિનેત્રી અવનીત કૌરે ઇન્સ્ટાગ્રામ પર ઘણા બોલ્ડ ફોટા શેર કર્યા હતા. ફોટામાં તે પ્રિન્ટેડ રેપ સ્કર્ટ સાથે લીલા રંગનો ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. ઈન્ટરનેટ યુઝર્સે જોયું કે વિરાટ કોહલીએ અવનીત કૌર નામના ફેન પેજ પર પોસ્ટ કરેલા ફોટાને લાઈક કર્યો અને પછી તેને ડિસલાઈક કર્યો. કોહલીની આ હરકતથી સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ. યુઝર્સે તેને ટ્રોલ પણ કર્યો કારણ કે આ 1 મેના રોજ બન્યું હતું, જે તેની પત્ની અનુષ્કા શર્માનો જન્મદિવસ પણ હતો. વિરાટે હવે આ મુદ્દે સ્પષ્ટતા આપી છે.
અનુષ્કા શર્માને જન્મદિવસની પાઠવી શુભેચ્છા
વિરાટે 1 મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર અનુષ્કા શર્માને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા એક સુંદર પોસ્ટ શેર કરી હતી. તેણે બંનેનો એક સુંદર ફોટો શેર કરીને કેપ્શન આપ્યું, ‘મારી સૌથી સારી દોસ્ત, મારી જીવનસાથી, મારી સુરક્ષિત જગ્યા, મારી બેટર હાફ, મારું બધું જ.’ તમે અમારા બધાના જીવનના માર્ગદર્શક છો. અમે તમને દરરોજ વધુ ને વધુ પ્રેમ કરીએ છીએ. જન્મદિવસની શુભકામનાઓ મારી પ્રિય અનુષ્કા શર્મા.