US President Donald Trump On Iran : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નેતૃત્વ પર ફરી એકવાર તીખો આકારો પ્રહાર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ઈરાન દુનિયાની સામે કંઈક અલગ બોલી બોલી રહ્યું છે અને પડદા પાછળ કંઈક અલગ જ રમત રમી રહ્યું છે. આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનને કોઈપણ ભોગે પરમાણુ શસ્ત્ર બનાવવાની મંજૂરી આપવામાં નહીં આપવામાં આવે.
‘જાહેરમાં ના અને ખાનગીમાં બેઠકની માંગ’
ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાની નેતાઓ ખાનગીમાં અમેરિકા સાથે વાતચીત કરવા આતુર છે, પરંતુ દુનિયા સમક્ષ એવું નાટક રાચે છે કે બંને દેશો વચ્ચે કોઈ જ વાતચીત નથી થઈ રહી. તેમણે ઈરાનના આ વલણને અત્યંત બેવડું વલણ ગણાવતા કહ્યું કે ઈરાની નેતાઓ પહેલા બેઠકની માંગ કરે છે, વાતચીત શરૂ પણ થાય છે અને આગળની બેઠકો પણ નક્કી થાય છે. પરંતુ ત્યારબાદ જાહેરમાં એવું નિવેદન આપે છે કે અમેરિકા સાથે કોઈ વાત નથી થઈ રહી અને તેઓ માત્ર ઓમાન સાથે જ ચર્ચા કરી રહ્યા છે.
સ્ટ્રેટ ઓફ હોર્મોઝ પર કોનો દબદબો?
સમુદ્રી માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મોઝ અંગે પણ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે ઈરાન સતત આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર પોતાના નિયંત્રણની વાતો કરે છે, પરંતુ હકીકતમાં ત્યાં અમેરિકી નૌસેનાનો પૂર્ણ દબદબો અને નાકેબંધી છે. ટ્રમ્પે ઉમેર્યું કે જ્યાં સુધી કોઈ કરાર ન થાય અથવા ઈરાન સંપૂર્ણપણે નમી ન જાય, ત્યાં સુધી અમેરિકાની મંજૂરી વગર કોઈપણ સામાન ઈરાનની અંદર કે બહાર જઈ શકશે નહીં.
ઈરાને સીધી વાતચીતનો કર્યો ઈનકાર
ટ્રમ્પના આ આકરા પ્રહાર સામે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ સીધી વાતચીત ચાલી રહી નથી. ઈરાન અત્યારે માત્ર ઓમાન સાથે હોર્મોઝ માર્ગ પર જહાજોની સુરક્ષિત અવરજવર માટે કામચલાઉ વ્યવસ્થા અંગે ચર્ચા કરી રહ્યું છે. તેમણે એ પણ ઉમેર્યું કે જ્યાં સુધી અમેરિકા પોતાનું આક્રમક વલણ બંધ નહીં કરે, ત્યાં સુધી આ સ્થિતિમાં કોઈ સુધારો શક્ય નથી.
અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમ અને પ્રાદેશિક સુરક્ષાને લઈને તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે પડદા પાછળ કૂટનીતિક માધ્યમોથી ચર્ચા ચાલી રહી હોવાના સંકેત છે, પરંતુ જાહેર નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે બંને દેશો વચ્ચે અવિશ્વાસની ખાઈ હજુ પણ ઊંડી છે.