મુકેશ દેસાઇએ કિંજલ રબારી અપહરણ કેસમાં કોની સામે ફરિયાદ નોંધાવી

By: Nation Gujarat Team
09 Sep, 2026

Kinjal Rabari Kidnapping Case: અમદાવાદ શહેરના ચાંદખેડા સ્થિત સી.બી.ડી. મોલ (CBD Mall) બહારથી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયા અંગેના ચર્ચાસસ્પદ કિસ્સામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. કિંજલ રબારી સાથે મૈત્રી કરારથી સાથે રહેતા પતિ નરસિંહભાઈ ઉર્ફે મુકેશભાઈ શંકરભાઈ રબારી (ઉંમર 26 વર્ષ, રહે. ગોતરકા, રાધનપુર, પાટણ) દ્વારા આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે સત્તાવાર FIR નોંધાવવામાં આવી છે.

કોની સામે નોંધાઈ ફરિયાદ અને કઈ કલમો લાગી?

મુકેશ દેસાઈએ કાળા કલરની ગાડીમાં આવેલા અજાણ્યા શખસો તેમજ સફેદ કલરની ક્રેટે ગાડીમાં (નંબર GJ-02 અથવા GJ-08 સીરીઝનો 6799) ભાગી છૂટેલા અજાણ્યા 3 ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે. આ સાથે તેમણે વિગતવાર જણાવ્યું છે કે, કિંજલનું આ અપહરણ તેના પૂર્વ પતિ અશોકભાઈ વાલાભાઈ ચૌધરી દ્વારા કરાવવામાં આવ્યું હોવાની તેમને પ્રબળ શંકા વ્યક્ત કરી હતી.

ચાંદખેડા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 137(2) અપહરણ (Kidnapping) નો ગુનો, કલમ 126(2) ગેરકાયદેસર અટકાયત અને કલમ 54 ગુનામાં એકબીજાની મદદગારી કરવી. ની મુજબની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ઘટનાક્રમ: સિનેમા હોલથી રસ્તા સુધી શું બન્યું?

એફ.આઈ.આર. મુજબ, 6 સપ્ટેમ્બર 2026 ના રોજ કિંજલ, તેનો ભાઈ કિરણ અને બહેન જાનકી ગાડી લઈને રાધનપુરથી નીકળ્યા હતા અને રસ્તામાં મુકેશ તેમજ ગાંધીનગરથી જીજાજી દેવાંગને સાથે લીધા હતા. બપોરે 11:30 વાગ્યે ચાંદખેડાના સી.બી.ડી. મોલના રાજહંસ સિનેમા ખાતે ‘મિર્ઝાપુર’ ફિલ્મ જોવા માટે કિંજલ, મુકેશ, જાનકી અને દેવાંગ અંદર ગયા હતા.

ફિલ્મ દરમિયાન ઈન્ટરવલ સમયે કિંજલને ગભરામણ અને ઉલટી જેવું થતાં તે મુકેશ સાથે મોલની બહાર આવી હતી. બપોરે આશરે 1:45 વાગ્યાના સુમારે મોલ બહાર જાહેર રોડ પર ઉભા રહીને જ્યારે મુકેશ કિંજલના ભાઈને કાર લાવવા માટે ફોન કરવા ખિસ્સામાંથી મોબાઈલ કાઢતો હતો, ત્યારે 25 થી 30 વર્ષના એક અજાણ્યા શખસે મુકેશને પાછળથી પકડી રાખ્યો હતો.

એ જ સમયે કિંજલ એક કાળા કલરની કારમાં બેસીને રવાના થઈ ગઈ હતી. મુકેશને પકડી રાખનાર ઈસમ તેને છોડીને પાછળ આવેલી સફેદ ક્રેટે ગાડીમાં બેસી ભાગી ગયો હતો. હાલ પોલીસ આ મામલે સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાયદેસરની તપાસ ચલાવી રહી છે.


Related Posts

Load more