Ethanol-Blended Petrol: તાજેતરમાં કેટલાક મીડિયા અહેવાલોમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે પેટ્રોલમાં 20% ઇથેનોલના મિશ્રણ (E20)થી વાહનોના એન્જિનને (ખાસ કરીને જૂના મોડલના વાહનોને) નુકસાન થઈ શકે છે. આવા દાવાને કેન્દ્ર સરકારે સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલયે નિવેદન આપ્યું છે કે, આવા અહેવાલોમાં વિજ્ઞાન આધારિત મજબૂત પુરાવાનો સ્પષ્ટ અભાવ છે, તેમાં કોઈ તથ્ય નથી. મંત્રાલયે આંકડા આપીને જણાવ્યું હતું કે પેટ્રોલ કરતાં ઇથેનોલનું ઓક્ટેન રેટિંગ વધુ હોવાથી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વધુ ઉચ્ચ ગુણવત્તાવાળું હોય છે.
પરીક્ષણો શું દર્શાવે છે?
પેટ્રોલિયમ મંત્રાલયનું કહેવું છે કે, ‘દેશ-વિદેશમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત યાંત્રિક અને કાર્યક્ષમતા સંબંધિત વિવિધ પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20) જૂના તેમજ નવા વાહનોના એન્જિનમાં કોઈ ખાસ નુકસાન કરતું નથી કે એની કાર્યક્ષમતા ઘટાડતું નથી. ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ (IIP), અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન R&D દ્વારા કરાયેલ ટેસ્ટિંગ દર્શાવે છે કે, E20ના ઉપયોગ દરમિયાન વાહનમાં કોઈ અસામાન્ય ઘસારો, કાર્યક્ષમતા ક્ષતિ કે સ્ટાર્ટિંગમાં મુશ્કેલી જોવા મળી નથી.’
ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની ગુણવત્તા વધુ સારી હોય છે?
આ ઉપરાંત પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું હતું કે, ‘પરંપરાગત પેટ્રોલનો ઓક્ટેન રેટિંગ માત્ર 84.4 હોય છે, જ્યારે કે ઇથેનોલનું ઓક્ટેન રેટિંગ 108.5 છે, એટલે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વધુ ઉચ્ચ ગુણવત્તાવાળું અને સારી દહન ક્ષમતા ધરાવતું હોય છે, જે એન્જિન માટે વધુ અસરકારક બની શકે છે.’
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, માઇલેજમાં થતો થોડો ઘટાડો ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે નહીં, પણ ઓછી ઊર્જા ઘનતાને કારણે થાય છે, જે સામાન્ય ગણાય છે. આમ પણ આ ઘટાડો બહુ ઓછો છે અને જૂના વાહનોમાં જ થઈ શકે છે.
SIAM અને ઇન્ડસ્ટ્રીનું વલણ હકારાત્મક છે
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મોટા ભાગના વાહન નિર્માતા હવે એન્જિન ટ્યુનિંગમાં સુધારા સાથે E20 માટે અનુકૂળ ઘટકોનો સમાવેશ કરવા લાગ્યા છે. ‘સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ’ (SIAM)ના જણાવ્યા મુજબ, એપ્રિલ 2023થી બજારમાં ઉપલબ્ધ થયેલા વાહનો અપડેટેડ એન્જિન અને ફ્યુઅલ સિસ્ટમ સાથે E20 ને અનુરૂપ વાહનો છે. તેથી ઇંધણ કાર્યક્ષમતા પર મોટી નકારાત્મક અસર થાય છે, એવો અહેવાલ ખોટો છે.
જૂના વાહનોમાં અમુક સમસ્યા સર્જાઈ શકે છે
પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું હતું કે, ‘BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ – ભારતીય ધોરણો સંસ્થા) તથા ઓટોમોટિવ ઉદ્યોગ ધોરણો દ્વારા E20 માટે જરૂરી સલામતી માપદંડો સ્પષ્ટપણે નિર્ધારિત છે. કેટલાક જૂના વાહનોમાં 20,000થી 30,000 કિલોમીટરના ઉપયોગ પછી રબર ગાસ્કેટ બદલવાની જરૂર પડી શકે છે, જે નિયમિત સર્વિસિંગ દરમિયાન સરળતાથી અને ઓછા ખર્ચે શક્ય છે.