સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમે શ્રીલંકા પ્રવાસ પર ધમાલ મચાવી છે. રવિવારે (28 જુલાઈ) બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની બીજી મેચ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 7 વિકેટે જીત મેળવી હતી. આ સાથે શ્રેણી 2-0થી કબજે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 મેચમાં શ્રીલંકાને 43 રને હરાવ્યું હતું. હવે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 30 જુલાઈએ રમાશે.
પલ્લેકેલેમાં રમાયેલી બીજી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે 3 બોલમાં 6 રન બનાવ્યા હતા, ત્યારબાદ વરસાદ આવ્યો હતો. આવી સ્થિતિમાં ડકવર્થ લુઈસ નિયમના કારણે ભારતનો ટાર્ગેટ 8 ઓવરમાં 78 રનનો થઈ ગયો છે. આ પછી ભારતીય ટીમે માત્ર 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.ભારતીય ટીમ માટે ઓપનર યશસ્વી જયસ્વાલે 15 બોલમાં 30 રન બનાવ્યા હતા. આ દરમિયાન 2 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે 12 બોલમાં 26 રન અને હાર્દિક પંડ્યાએ 9 બોલમાં 22 રન બનાવ્યા હતા. આ સીરીઝમાં પ્રથમ મેચ રમી રહેલા સંજુ સેમસન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. શ્રીલંકા તરફથી મહિષ તિક્ષિના, મથિશા પાથિરાના અને વાનિન્દુ હસરાંગાએ 1-1 વિકેટ લીધી હતી.
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 9 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. ટીમ માટે કુસલ પરેરાએ 34 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. જ્યારે પથુમ નિસાન્કાએ 32 રન અને કામિન્દુ મેન્ડિસે 26 રન બનાવ્યા હતા. એક સમયે 15 ઓવરમાં 130 રનમાં 2 વિકેટ હતી, ત્યારે શ્રીલંકાની ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું.પરંતુ સ્ટાર ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એક જ ઓવરમાં કામિન્દુ અને પરેરાને આઉટ કરીને ટીમમાં વાપસી કરી હતી. આ પછી બીજી જ ઓવરમાં સ્પિનર રવિ બિશ્નોઈએ દાસુન શનાકા અને વાનિન્દુ હસરાંગાને શૂન્ય પર આઉટ કરીને શ્રીલંકાને બેકફૂટ પર ધકેલી દીધું હતું. ઓવરઓલ બિશ્નોઈએ 3 વિકેટ લીધી હતી. જ્યારે પંડ્યા, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહને 2-2 સફળતા મળી હતી.સૂર્યાએ આ મેચ માટે પ્લેઇંગ-11માં ફેરફાર કર્યો હતો. વાઇસ કેપ્ટન અને ઓપનર શુભમન ગિલને પડતો મૂકવામાં આવ્યો હતો. તે ઘાયલ છે. તેને પીઠના દુખાવાની ફરિયાદ છે. ગીલની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને તક મળી છે. શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ પણ એક ફેરફાર કર્યો છે. દિલશાન મધુશંકાની જગ્યાએ રમેશ મેન્ડિસને એન્ટ્રી આપવામાં આવી હતી.