દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી છે. ટીમ ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ 5 વિકેટથી હારી ગઈ હતી. સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ટોસ વિના રદ્દ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં આફ્રિકાએ 3 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની છેલ્લી અને ત્રીજી મેચ 14 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે.
વરસાદ વિક્ષેપિત આ મેચમાં દક્ષિણ આફ્રિકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 15 ઓવરમાં 152 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં યજમાન ટીમે માત્ર 13.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. મેચમાં રીઝા હેન્ડ્રીક્સે 27 બોલમાં 49 રનની તોફાની ઈનિંગ રમી હતી. જ્યારે સુકાની એડન માર્કરામે 17 બોલમાં 30 રન બનાવ્યા હતા.
ભારતીય ઇનિંગ્સમાં રિંકુ સિંહે 39 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 56 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. રિંકુએ 30 બોલમાં પોતાની T20 ઈન્ટરનેશનલ કરિયરની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી.
જ્યારે સૂર્યાએ મેચમાં 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. સૂર્યાએ પોતાની ઇનિંગમાં 3 સિક્સ અને 5 ફોર ફટકારી હતી. જ્યારે રિંકુએ 2 સિક્સર અને 9 ફોર ફટકારી હતી. સૂર્યાએ રિંકુ સિંહ સાથે મળીને ચોથી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી. આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ સૌથી વધુ 3 વિકેટ લીધી છે.
ઈશાન કિશન, શ્રેયસ અય્યર અને રવિ બિશ્નોઈને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. બીજી તરફ સ્ટાર સ્પિનર કેશવ મહારાજને દક્ષિણ આફ્રિકાની ટીમમાં સ્થાન મળ્યું નથી.