વર્લ્ડ કપની 21મી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 273 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. ટીમને જીતવા માટે 274 રનનો ટાર્ગેટ મળ્યો છે.
નંબર-4 પર બેટિંગ કરવા આવેલા ડેરિલ મિચેલ (130)એ સદી ફટકારી હતી, જ્યારે રચિન રવિન્દ્ર (75 રન)એ અડધી સદી ફટકારી હતી. ગ્લેન ફિલિપ્સે 23 રનનું યોગદાન આપ્યું હતું.
આ વર્લ્ડ કપની પહેલી મેચ રમતા મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહને પણ એક-એક સફળતા મળી હતી.
ભારતીય બોલરો મિડલ ઓવર્સમાં વિકેટ ન લઈ શક્યા, કેચ પણ છોડ્યા
પાવરપ્લેમાં ધીમી શરૂઆત પછી, રચિન રવીન્દ્ર અને ડેરિલ મિચેલે સારી બેટિંગ કરી, જ્યારે ભારતીય સ્પિનરો શરૂઆતના દબાણનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. 11મી ઓવરથી 30મી ઓવરની વચ્ચે કિવી ટીમે એકપણ વિકેટ ગુમાવી ન હતી અને 113 રન બનાવ્યા હતા. અહીં ટીમનો સ્કોર 30 ઓવરમાં 2 વિકેટે 147 રન હતો. આ દરમિયાન રવીન્દ્ર અને મિચેલે અન્ય ટીમને કુલદીપ અને રવિન્દ્ર જાડેજાનો સામનો કેવી રીતે કરવો તે દેખાડ્યું. તેમણે જોરદાર બેટિંગ કરી.
ન્યૂઝીલેન્ડના કમબેકને 3 પોઇન્ટમાં સમજો…
ભારતનો રહ્યો પાવર પ્લે, ન્યૂઝીલેન્ડ 34/2
ભારતીય બોલરોએ પહેલી જ ઓવરથી દબાણ સર્જ્યું હતું. જસપ્રીત બુમરાહે પ્રથમ ઓવરમાં મેડન ઓવર ફેંકી હતી. સિરાજે ચોથી ઓવરમાં ડેવોન કોનવેની વિકેટ લીધી હતી. શ્રેયસે ફોરવર્ડ સ્ક્વેર લેગ પર શાનદાર કેચ લીધો હતો. ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર માત્ર 9 રન હતો.
સિરાજ અને બુમરાહે ન્યૂઝીલેન્ડના બેટર્સને 8 ઓવર સુધી મુક્તપણે રમવા દીધા ન હતા. મોહમ્મદ શમી નવમી ઓવર નાખવા આવ્યો હતો. તેણે તેના પહેલા જ બોલ પર વિલ યંગને બોલ્ડ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પાવર પ્લેમાં 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી અને માત્ર 34 રન જ બનાવી શકી હતી.
આવી રીતે પડી ન્યૂઝીલેન્ડની વિકેટ…
પહેલી: ચોથી ઓવરના ત્રીજા બોલે સિરાજે ફૂલર લેન્થ પર બોલ નાખ્યો, જેને ડેવોન કોનવેએ ફોરવર્ડ સ્ક્વેર લેગ પર ફ્લિક શોટ માર્યો, પણ ત્યાં ઊભેલા અય્યરે શાનદાર ડાઇવ કેચ કર્યો હતો.
બીજી: નવમી ઓવરના પહેલાં બોલે શમીએ પોતાની ઓવરના પહેલાં જ બોલે વિકેટ લીધી હતી. તેણે વિલ યંગને ગુડ લેન્થ પર ઑફ સ્ટમ્પ પર બોલ નાખ્યો, જેને વિલ યંગ બેકફૂટ પર શોટ રમવા ગયો, પણ એડ્જ વાગતા બોલ્ડ થયો હતો.
ત્રીજી: 34મી ઓવરના ત્રીજા બોલે શમીએ ઑફ કટર બોલ નાખ્યો, જેને રચિન રવીન્દ્રએ લોંગ-ઓન પર શોટ રમ્યો, પણ ટાઇમિંગ ના હોવાથી ત્યાં બાઉન્ડરી પર ઊભેલા શુભમન ગિલે સરળ કેચ કર્યો હતો.
ચોથી: 37મી ઓવરના પાંચમા બોલે કુલદીપ યાદવે સ્પીડમાં લેગ સ્ટમ્પ પર બોલ નાખ્યો, જેને શોટ રમવા જતા કેપ્ટન ટોમ લાથમથી મિસ થઈ ગયો અને તે LBW આઉટ થયો હતો.
પાંચમી: 45મી ઓવરના બીજા બોલે કુલદીપે ફૂલર લેન્થમાં બોલ નાખ્યો, જેને ગ્લેન ફિલિપ્સ જોરથી મારવા ગયો, પણ એડ્જ વાગતા બોલ ખૂબ જ ઉંચો હવામાં ગયો, અને રોહિત શર્માએ કેચ કર્યો હતો.
છઠ્ઠી: 47મી ઓવરે બુમરાહે ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને માર્ક ચેપમેને બેકવર્ડ સ્ક્વેર લેગ પર શોટ માર્યો, જેમાં બાઉન્ડરી પર ઊભેલા કોહલીએ આગળ ડાઇવ મારીને કેચ પકડ્યો હતો.
સાતમી: 48મી ઓવરના ચોથા બોલે મોહમ્મદ શમીએ રાઉન્ડ ધ વિકેટથી બોલિંગ કરી અને મિચેલ સેન્ટનરને સટીક યોર્કર ફેંક્યો, જેને સેન્ટનર રમી ન શકતા બોલ્ડ થયો હતો.
આઠમી: 48મી ઓવરના પાંચમા બોલે મોહમ્મદ શમીએ ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જે થોડો અંદર આવ્યો અને મેટ હેનરી રમી ના શકતા તે બોલ્ડ થયો હતો.
નવમી: 50મી ઓવરના પાંચમા બોલે શમીએ ફૂલર લેન્થમાં બોલ નાખ્યો, જેને ડેરિલ મિચેલે મિડ વિકેટ સાઇડ શોટ માર્યો, પણ ટાઇમિંગ ના હોવાથી બાઉન્ડરી પર ઊભેલા કોહલીએ કેચ કરી લીધો હતો.
દસમી: 50મી ઓવરના છેલ્લા બોલે શમીએ નાખેલા બોલ પર બોલ્ટથી શોટ મિસ થઈ ગયો, પણ બન્ને પ્લેયર્સ રન લેવા માટે દોડ્યા, પણ વિકેટકીપર રાહુલે ડાયરેક્ટ હીટથી લોકી ફર્ગ્યુસનને રનઆઉટ કર્યો હતો.