IND vs ENG 3rd T20I: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝનો ત્રીજો મુકાબલો આજે (મંગળવાર) એ નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજ મેદાનમાં રમાશે. સિરીઝમાં ભારતીય ટીમ 0-1થી પાછળ છે. જો ટીમ ઈન્ડિયા આજે હારશે તો શ્રેણી જીતવાની આશા ખતમ થઈ જશે. તો ટીમ ઈન્ડિયા કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાનીમાં પ્રથમ જીત મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી ટી20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી પાસે ટીમને મોટી આશા છે. માન્ચેસ્ટર ટી20 મેચમાં વૈભવે આક્રમક શરૂઆત કરી પરંતુ તે 14 રન બનાવી આઉટ થઈ ગયો હતો.
પ્લેઈંગ-11મા થઈ શકે છે મોટા ફેરફાર
ભારતીય ટીમ ત્રીજી ટી20 મેચમાં બોલિંગ વિભાગમાં ફેરફાર કરી શકે છે. રવિ બિશ્નોઈએ છેલ્લી મેચમાં ચાર ઓવરમાં 60 રન આપી દીધા હતા. તેવામાં તેની જગ્યાએ યુવા ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવને તક મળી શકે છે. ઈંગ્લેન્ડની પરિસ્થિતિને જોતા ટીમ મેનેજમેન્ટ વધુ એક ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરી શકે છે.
બેટરોએ બનાવવા પડશે રન
અભિષેક શર્માને છોડી ભારતીય બેટરો ઈંગ્લેન્ડ સામે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યાં છે. કેપ્ટન અય્યર અને ઈશાન કિશને જરૂર ઉપયોગી ઈનિંગ રમી છે, પરંતુ મેચ પર પોતાની છાપ છોડી શક્યા નથી. જો ભારતીય ટીમ સિરીઝમાં વાપસી કરવા ઈચ્છે છે તો તેણે મોટી ભાગીદારી કરવી પડશે. ભારતનો ટી20માં ઈંગ્લેન્ડ સામે રેકોર્ડ સારો રહ્યો છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 32 મેચમાં ભારતે 18 મેચ જીતી છે, જ્યારે 13 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ક્યારે શરૂ થશે ત્રીજી ટી20?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ ટ્રેન્ટ બ્રિજ, નોટિંઘમમાં રમાશે. મુકાબલામાં ટોસ ભારતીય સમયાનુસાર રાત્રે 9.30 કલાકે થશે, અને મેચ 10 કલાકે શરૂ થશે. બીજી ટી20 મેચના મુકાબલે આ મેચના સમયમાં ફેરફાર થયો છે.
ક્યા જોશો લાઈવ?
ભારતમાં આ મેચનું સીધુ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્કની ટીવી ચેનલો પર કરવામાં આવશે. તો મોબાઈલ અને લેપટોપ યુઝર્સ SonyLIV અને JioHotstar પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે.
ટ્રેન્ટ બ્રિજની પિચ અને હવામાન
ટ્રેન્ટ બ્રિજની પિચ બેટરો માટે મદદરૂપ માનવામાં આવે છે, જ્યાં મોટો સ્કોર જોવા મળે છે. પરંતુ શરૂઆતી ઓવરોમાં નવા બોલથી ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે આજે નોટિંઘમમાં વરસાદની સંભાવના ઓછી છે.