ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમના પ્લેઈંગ 11માં આકાશ દીપ અને રવિન્દ્ર જાડેજાની વાપસી થઈ છે. ટીમ ઈન્ડિયાએ આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ જીતીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ યજમાન ઓસ્ટ્રેલિયાએ બીજી મેચ 10 વિકેટથી જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. હવે આવી સ્થિતિમાં સીરિઝની આ ત્રીજી મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે, કારણ કે આ મેચ જીતનારી ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો રસ્તો આસાન બની જશે. યજમાન ઓસ્ટ્રેલિયાએ આ મેચ માટે તેના પ્લેઈંગ 11ની જાહેરાત કરી દીધી છે, જેમાં સ્કોટ બોલેન્ડની જગ્યાએ જોશ હેઝલવુડની વાપસી થઈ છે.
વરસાદના કારણે રમત બંધ થઈ ગઈ હતી
બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ સત્રમાં વરસાદને કારણે બીજી વખત રમત રોકી દેવામાં આવી છે અને મેદાનને કવરથી ઢાંકી દેવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં 13.2 ઓવરમાં કોઈપણ નુકસાન વિના 28 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 19 રન જ્યારે નાથન મેકસ્વિનીએ 4 રન બનાવ્યા હતા.