T-20 સિરીઝની ત્રીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 222 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં મંગળવારે ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 222 રન બનાવ્યા હતા.
ઓપનર ઋતુરાજ ગાયકવાડે 57 બોલમાં 123 રનની ઇનિંગ રમી હતી. તેણે તેની T20 કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. ગાયકવાડે પોતાની સદી છગ્ગા સાથે પૂરી કરી હતી.
પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાની ધીમી બેટિંગ
ટીમ ઈન્ડિયા માટે પાવરપ્લે સરેરાશ રહ્યો હતો. ભારતીય બેટર્સ 6 ઓવરમાં 2 વિકેટે 43 રન જ બનાવી શક્યા હતા. યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડની ઓપનિંગ જોડીએ ટીમને ઝડપી શરૂઆત અપાવી અને પહેલી જ ઓવરમાં 14 રન બનાવ્યા. જે બાદ બેહરનડોર્ફે ઇનિંગની બીજી ઓવરમાં જયસ્વાલ (6 રન)ને આઉટ કરીને ટીમ ઇન્ડિયાને પહેલો ઝટકો આપ્યો હતો. ઇનિંગની ત્રીજી જ ઓવરમાં કેન રિચર્ડસને ઈશાન કિશનને ઝીરો પર પેવેલિયન પરત મોકલ્યો હતો. અહીં ભારતીય બેટર્સ દબાણમાં જોવા મળ્યા.