સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડના ઘરમાં ચાલી રહેલા ગેરકાયદેસર શેર બજારના ડીલિંગ નેટવર્ક મુદ્દે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર પોલીસ પાસેથી તપાસ આંચકી લઈ અને હવે જેતપુર પોલીસને આ તપાસ સોંપવામાં આવી છે. પ્રાથમિક તપાસ કરવામાં આવતા 10 લેપટોપમાંથી 100 કરોડથી વધુના લેતીદેતીના હિસાબો મળી આવ્યા છે. જેમાં એક લેપટોપમાંથી જ સરેરાશ 10 કરોડથી વધુનું ડીલીંગ થયું હોવાનું સામે આવ્યું છે.
મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ સહિતના રાજ્યોમાંથી બ્રોકરોનો સંપર્ક કરવામાં આવતો હતો અને ત્યારબાદ મોબાઈલ ફોન આધારિત તેમનો કોન્ટેક કરી અને ગેરકાયદેસર રીતે શેર બજાર ડીલિંગ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
જોકે આ મુદ્દે હવે પ્રાથમિક તપાસ જેતપુર પોલીસને સોંપવામાં આવતા જેતપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અલગ અલગ 10 જેટલા લેપટોપ 29 મોબાઈલ 04 પેન ડ્રાઈવ 50થી વધુ સીમકાર્ડ 27 જેટલી ડાયરી અંગે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં હાર જીતની રકમ સુરેન્દ્રનગરના આંગડિયા પેઢીઓમાં આવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આંગડિયા પેઢી ઉપર પણ ટૂંક સમયમાં કાર્યવાહીના એંધાણ વરતાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં આંગડિયા પેઢીના લેતીદેતીના હિસાબો ચેક કરવામાં નથી આવ્યા અને રોજનું કરોડો રૂપિયાનું ટર્નઓવર આંગડિયા પેઢીમાં થઈ રહ્યું છે. જેમાં બેનામી વ્યવહારો પણ ઝડપાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે પણ હવે વધુ તપાસ શરૂ કરાઇ છે.
છેલ્લા ત્રણ વર્ષથી આ શેર બજારનું ગેરકાયદેસર ટ્રેડિંગ કરવામાં આવતું હતું. હાર-જીતનો જુગાર પણ ચાલી રહ્યો હતો. કોલ સેન્ટર ઊભું કરવામાં આવી રહ્યું હતું. તે છતાં પણ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. પ્રથમ તબક્કામાં સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કરાયા છે. તેના ઘર ઉપર પણ હવે તપાસ ચાલી રહી છે. ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સામે પણ હવે ટૂંક સમયમાં કાર્યવાહી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. 100 કરોડથી વધુના બેનામી વ્યવહારો મળી આવ્યા છે આ દિશા માં પણ તપાસ શરૂ છે.
આગળ શું કાર્યવાહી થઈ શકે?