ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મંગળવારે શ્રીલંકા પાસેથી અંડર-19 વર્લ્ડ કપ 2024ની યજમાની છીનવી લીધી. હવે આ વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં રમાશે. આજે મળેલી ICC બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC)માં સરકારની દખલગીરીને ધ્યાનમાં રાખીને ICCએ આ નિર્ણય લીધો છે.
ICC અનુસાર, શ્રીલંકન બોર્ડમાં ચાલી રહેલી સમસ્યાને કારણે અંડર-19 વર્લ્ડ કપ 2024ની યજમાની દક્ષિણ આફ્રિકાને સોંપવામાં આવી છે. તો, ICCએ શ્રીલંકાના બોર્ડને સસ્પેન્ડ કરવાનો નિર્ણય હજુ પણ જાળવી રાખ્યો છે. ICCએ 10 નવેમ્બર 2023 ના રોજ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યું હતું. ICC અનુસાર, સસ્પેન્શનથી શ્રીલંકામાં ક્રિકેટ પર કોઈ અસર નહીં પડે અને ત્યાં ક્રિકેટ ચાલુ રહેશે.
શ્રીલંકા બોર્ડમાં સતત ગરબડ
વર્લ્ડ કપમાં શ્રીલંકાના ખરાબ પ્રદર્શન બાદ રમતગમત મંત્રી રોશન રણસિંઘે 6 નવેમ્બરે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને બરતરફ કરી દીધું હતું. વચગાળાનું બોર્ડ પણ બનાવવામાં આવ્યું હતું. અર્જુન રણતુંગાને નવા વચગાળાના બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ખેલ મંત્રીના આદેશ બાદ શ્રીલંકન ક્રિકેટ બોર્ડે કોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો. બોર્ડની અપીલ પર કોર્ટે દેશના ક્રિકેટ બોર્ડને બરતરફ કરવાના ખેલ મંત્રીના નિર્ણયને રદ કર્યો હતો. એટલે કે રણતુંગા વચગાળાના પ્રમુખ ન બની શક્યા.
ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યું
શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) ને ICC દ્વારા 10 નવેમ્બરે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. બોર્ડમાં સરકારની દખલગીરી બાદ ICCએ તેમની સદસ્યતા તાત્કાલિક અસરથી છીનવી લીધી હતી.
શ્રીલંકા 9 મેચમાંથી માત્ર 2 જ જીત્યું
વર્લ્ડ કપ 2023માં શ્રીલંકાએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે હતી. શ્રીલંકાએ 9 મેચ રમી માત્ર 2 જીતી હતી. તેને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.