Hydrogen Train Stoppage : દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન કયા કયા સ્ટેશન પર ચાલશે? બનાવવામાં કેટલો ખર્ચ થયો, જાણો

By: Nation Gujarat Team
18 Jul, 2026

સામાન્ય રીતે ડીઝલ એન્જિનવાળી ટ્રેનો કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પ્રદૂષક વાયુઓનું ઉત્સર્જન કરે છે, જ્યારે હાઇડ્રોજન ટ્રેનમાંથી માત્ર પાણીની વરાળ બહાર આવે છે. તેથી આ ટ્રેન વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદરૂપ બનશે અને તેને સ્વચ્છ ઊર્જા આધારિત પરિવહનનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.

આ ટ્રેનમાં ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગ્રીન હાઇડ્રોજન પાણીના વિદ્યુત વિચ્છેદન (Electrolysis) દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેમાં નવનીકરણીય ઊર્જાનો ઉપયોગ થતો હોવાથી કાર્બન ઉત્સર્જન લગભગ શૂન્ય રહે છે. આ કારણે ગ્રીન હાઇડ્રોજનને ભવિષ્યનું સ્વચ્છ ઇંધણ માનવામાં આવે છે.

હાઇડ્રોજન ટ્રેન ભારતના રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનનો મહત્વપૂર્ણ ભાગ છે. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2022માં આ મિશનની જાહેરાત કરી હતી અને વર્ષ 2030 સુધીમાં દર વર્ષે 5 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ભારત પાસે પૂરતું પાણી, સૌર ઊર્જા અને અન્ય નવનીકરણીય ઊર્જા સ્ત્રોત ઉપલબ્ધ હોવાથી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે અનુકૂળ પરિસ્થિતિ છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્ષ 2023માં રાજ્યસભામાં માહિતી આપી હતી કે ભારતીય રેલવે ‘હાઇડ્રોજન ફોર હેરિટેજ’ યોજના હેઠળ દેશભરમાં કુલ 35 હાઇડ્રોજન ટ્રેનો ચલાવવાની યોજના પર કામ કરી રહી છે. આ પહેલનો હેતુ હેરિટેજ અને પસંદગીના રૂટ પર પર્યાવરણમૈત્રી પરિવહનને પ્રોત્સાહન આપવાનો છે. આ ટ્રેન.. જીંદ જંક્શન, જીંદ સિટી, પાંડુ પિંડારા, લલિત ખેડા હોલ્ટ, ભાંભેવા, ઇસાપુર ખેડી હોલ્ટ, બુટાના હોલ્ટ, ખાંડરાઈ હોલ્ટ, ગોહાના જંક્શન, રભરા હોલ્ટ, લાથ હોલ્ટ, મોહાના હરિયાણા, બરવાસની હોલ્ટ, સોનીપત ન્યૂ, સોનીપત જંક્શન વચ્ચે ચાલશે.

જો ખર્ચની વાત કરીએ તો, એક હાઇડ્રોજન ટ્રેન તૈયાર કરવામાં અંદાજે ₹80 કરોડનો ખર્ચ થયો છે. જ્યારે હાઇડ્રોજન સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમ કે ફ્યુઅલિંગ અને અન્ય સુવિધાઓના વિકાસ માટે આશરે ₹70 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ રીતે એક પ્રોજેક્ટ પાછળ કુલ લગભગ ₹150 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન માત્ર ટેક્નોલોજીમાં જ નહીં, પરંતુ સ્વચ્છ ઊર્જા, પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં પણ મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.


Related Posts

Load more