પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કારખાનામાં કામ કરતા અંદાજે 5 થી 7 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વિસ્ફોટનો ભયાનક અવાજ સાંભળતા જ આસપાસના લોકો ગભરાઈ ગયા હતા અને શું થયું તે જાણવા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બ્લાસ્ટની અસર માત્ર ફેક્ટરી પૂરતી સીમિત ન રહેતા, ઘટનાસ્થળની નજીક આવેલા અન્ય ગામોમાં પણ તેની વ્યાપક અસર વર્તાઈ હતી. લોકોએ ભૂકંપ જેવો આંચકો અનુભવ્યો હતો.
ગેરકાયદેસર રીતે ચાલતી હતી ફેક્ટરી
આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, રહેણાંક અને ડમ્પિંગ વિસ્તારની નજીક ધમધમતી આ ફટાકડાની ફેક્ટરી સંપૂર્ણપણે ગેરકાયદેસર હતી. તંત્રની આંખમાં ધૂળ નાખીને, કોઈ પણ પ્રકારની સુરક્ષા કે કાયદાકીય મંજૂરી વિના આ જીવલેણ કારખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘનથી અનેક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા છે.
હાલમાં તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવની કામગીરીમાં જોડાયો છે. આ ફેક્ટરી કોની છે અને અત્યાર સુધી તે કોની રહેમનજર હેઠળ ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કસૂરવારો સામે કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.