શાળા શરૂ થયાને 10 દિવસ થયા, છતાં લાખો વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો વિના વંચિત’, ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા પર મોટો સવાલ

By: Nation Gujarat Team
17 Jun, 2026

Gujarat Congress: ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારની નીતિઓ અને શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી પર આકરા પ્રહારો કર્યા છે. શાળાઓ શરૂ થયાને ૧૦ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, રાજ્યના લાખો વિદ્યાર્થીઓ સુધી હજુ સુધી પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી.

ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત
હેમાંગ રાવલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, પુસ્તકો ન મળવાને કારણે ખાસ કરીને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે પરંતુ પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓનો અભ્યાસ સંપૂર્ણપણે અટકી પડ્યો છે. પુસ્તકો વિના શિક્ષકોને પણ નવો અભ્યાસક્રમ ચલાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

208 માંથી માત્ર 15 રૂટ પર જ પુસ્તકો પહોંચ્યા!
કોંગ્રેસે આંકડાકીય માહિતી આપતા ગંભીર આક્ષેપ કર્યો છે કે રાજ્યના કુલ 208 સપ્લાય રૂટમાંથી માત્ર 15 રૂટ પર જ પુસ્તકો પહોંચાડવામાં આવ્યા છે. બાકીના 193 રૂટ અને રાજ્યના 400થી વધુ વિતરણ કેન્દ્રો પર હજુ સુધી પુસ્તકોનો પત્તો જ નથી. સૌથી આઘાતજનક બાબત એ છે કે ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટેના વિનામૂલ્યે પાઠ્યપુસ્તકોનું છાપકામ પણ હજુ સુધી પૂર્ણ થયું નથી.

બજારમાં વેચવાના પુસ્તકો છપાઈ ગયા, ગરીબ વિદ્યાર્થીઓના મફત પુસ્તકો અટક્યા”
હેમાંગ રાવલે સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, બજારમાં જે પુસ્તકો પૈસા દઈને વેચવાના છે, તેનું છાપકામ સમયસર પૂરું થઈ ગયું અને તે બજારમાં ઉપલબ્ધ પણ થઈ ગયા છે. પરંતુ, સરકારી શાળાઓમાં ભણતા SC, ST, આદિવાસી અને આર્થિક રીતે નબળા વર્ગના (EWS) વિદ્યાર્થીઓ, જેમને મફત પુસ્તકો મળવાના છે, તેમના પુસ્તકો અટકાવી દેવાયા છે. આ સીધો પક્ષપાત અને ગરીબ વિરોધી માનસિકતા દર્શાવે છે.

ભવ્ય કાર્યક્રમો વચ્ચે વરવી વાસ્તવિકતા
એક તરફ સરકાર ‘નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક’ જેવા ભવ્ય અને કરોડોના ખર્ચે કાર્યક્રમો કરીને શિક્ષણમાં અમૂલ પરિવર્તનના મોટા-મોટા દાવાઓ કરે છે, અને બીજી તરફ વાસ્તવિકતા એ છે કે ગરીબ બાળકો પાસે ભણવા માટે પુસ્તકો પણ નથી. રાજ્યમાં શાળાઓ 6 જૂનથી શરૂ થઈ ગઈ હોવા છતાં, 16 જૂન સુધી પુસ્તકો ન પહોંચવા તે વહીવટી તંત્રની નિષ્ફળતા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલો મોટો અન્યાય છે. આ મામલામાં માત્ર વહીવટી બેદરકારી જ નહીં, પરંતુ મોટી અન્યાયી નીતિઓ અને સંભવિત કૌભાંડની આશંકા પણ સેવાઈ રહી છે.

કોંગ્રેસે માંગ કરી છે કે સરકારે કોઈ પણ જાતના વિલંબ વિના યુદ્ધના ધોરણે પાઠ્યપુસ્તકોનું વિતરણ તાત્કાલિક પૂરું કરવું જોઈએ. આ સાથે જ હેમાંગ રાવલે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં આ સમસ્યા હલ નહીં થાય તો કોંગ્રેસ આ શિક્ષણ વિભાગની પોલ ખોલતા વધુ દસ્તાવેજો અને પુરાવાઓ જનતા સમક્ષ જાહેર કરશે.


Related Posts

Load more