આણંદ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. કાળા ડીબાંગ વાદળો વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હાલ ધોધમાર વરસાદ શરૂ થયો છે. બપોરે 1 વાગ્યા પછી ગાંઘીનગરમા ભારે વરસાદ વરસી રહ્યો છે.
સવારના 6થી 10 વાગ્યા દરમિયાન આણંદ અને પેટલાદમાં અંદાજે 4 ઈંચ, જ્યારે બોરસદમાં 4.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લામાં વરસાદની આજે વહેલી સવારથી જ મજબૂત શરૂઆત જોવા મળી હતી. બીજી તરફ નડિયાદ અને ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો.
પંચમહાલ: શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે ગઈકાલે રાત્રિ દરમિયાન અને મળસ્કે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર ડુંગર વરસાદી માહોલમાં તરબોળ બન્યો હતો. ભારે વરસાદને કારણે પાવાગઢ ડુંગરના પગથિયાં પરથી પાણીના પ્રવાહ વહેતા જોવા મળ્યા હતા, જેના કારણે મનમોહક દ્રશ્યો સર્જાયા હતા.
ડુંગર પર મેઘરાજાએ ધડબડાટી બોલાવતા જાણે ‘બારે મેઘ ખાંગા થયા હોય’ તેવો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદ વચ્ચે પાવાગઢની કુદરતી સુંદરતામાં વધુ નીખાર આવ્યો હતો. વરસાદના રાત્રિના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં સમગ્ર યાત્રાધામ વરસાદની ચાદરમાં ઢંકાયેલું જોવા મળે છે.
નર્મદા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર છે. રેડ એલર્ટને પગલે નર્મદા જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ છે. નર્મદાના રાજપીપળા શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ જામ્યો છે. ગાજ વીજ સાથે જિલ્લામાં છેલ્લા એક કલાકથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદની આગાહીના પગલે તંત્ર સજ્જ બન્યું છે. રાત્રીથી નિચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. રાત્રે જ રાજપીપલા શહેર માં 50થી વધુ પરિવારોનું સ્થળાંતર કરી સેલ્ટર હોમ ખાતે મોકલવામાં આવ્યા હતા.
રાજપીપળા શહેરમાં ખાડા વિસ્તારમાં રહેતા 50 પરિવારો ને રાજપીપલા નગરપાલિકા અને રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા મકાનો ખાલી કરાવ્યા છે.રાજપીપળા શહેર ના કુંભારવાડ,નરસિંહ ટેકરી વિસ્તાર ના 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ રાજપીપળા સેલ્ટર હોમ માં રાખવામાં આવ્યા છે.બીજી બાજુ કરજણ ડેમના ઉપરવાસમાં વરસાદ ચાલુ હોવાથી, ડેમમાં પાણીની આવકમાં વધારો થાય છે. જેથી લેવલ જાળવવા કરજણ ડેમના ગેટ્સ ખોલી, ગેટ્સ મારફતે તબક્કાવાર આશરે 50,000 ક્યુસેકસ પાણીની જાવક થઈ છે.
તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે તંત્ર એલર્ટ આવ્યું છે. નિઝર તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. નિઝર આઈટીઆઈ ખાતે સ્ટેન્ડ બાઈ રાખવામાં આવી છે SDRFની ટીમ. નિઝરના ઉપરવાસ મહારાષ્ટ્રમાં વરસાદ વચ્ચે નિઝરમાં પણ વરસાદી માહોલ યથાવત છે.
વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે. શહેરના નીચાણવાળા અને અનેક મુખ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ચારેય તરફ પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આશંકા અને રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.