Heavy Rain In South Gujarat: દક્ષિણ ગુજરાતમાં આજે (10મી સપ્ટેમ્બર) વરસાદે ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના ઉમરપાડામાં છેલ્લા 6 કલાકમાં ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોટા ભાગના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઉમરગોટથી સેલમ્બાના લો લેવલ કોઝ વે પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ થયો છે. રસ્તા બ્લોક થતાં જનજીવન પર માઠી અસર થઇ છે. ઉમરપાડાની વીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. મહુંવન અને વીરા નદીમાં પાણીની ભરપૂર આવક થતાં ચારણી ગામના લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.
નવસારી જિલ્લામાં વરસાદના વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી નવસારીના ગણદેવી, બીલીમોરા અને ચીખલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.
વલસાડ જિલ્લામાં સૌથી વઘુ 108 ઈંચ, 117 તાલુકામાં 40 ઈંચથી વઘુ : ખેરગામમાં 135 ઈંચ
આ વખતે અત્યાર સુધી 117 તાલુકામાં 40 ઈંચથી વઘુ, 114 તાલુકામાં 20 થી 40 ઈંચ, 20 તાલુકામાં 10 થી 20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાલુકા પ્રમાણે નવસારીના ખેરગામમાં સૌથી વઘુ 135 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.
રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 35 ઈંચ સાથે સરેરાશ 183.32%, ઉત્તર ગુજરાતમાં 30.35 ઈંચ સાથે સિઝનનો 105.63%, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 37.64 ઈંચ સાથે સરેરાશ 118%, સૌરાષ્ટ્રમાં 37.46 ઈંચ સાથે સરેરાશ 129% જ્યારે દક્ષિણ ગુજરાતમાં 73.01 ઈંચ સાથે સરેરાશ 124.30% વરસાદ નોંધાયો છે.
ગુજરાતના જે જિલ્લામાં આ વખતે 100 ટકાથી વઘુ વરસાદ વરસી ચૂક્યો છે તેમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, પાટણ, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 11મી સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે.