ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર હીટવેવની અસર વર્તાવા લાગી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં ગરમીનું મોજું ફરી વળવાની ચેતવણી આપી છે. જેમાં અનેક જિલ્લાઓમાં અંગ દઝાડતી ગરમી પડી શકે છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં હીટવેવની તીવ્ર અસર જોવા મળશે. આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી અને પોરબંદરમાં પણ ગરમીનો પારો ઉંચકાશે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ હીટવેવની સ્થિતિ રહેશે.
ઉલ્લેખની છે કે હવામાન વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ કાળઝાળ ગરમીની આગાહી કરી છે. રાજ્યના મુખ્ય શહેરો એવા અમદાવાદ અને ગાંધીનગર સહિત ભરૂચ, વડોદરા અને સુરતમાં પણ ગરમીમાં વધારો થતાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઉનાળાની શરુઆતમાં જ ગરમીના વધતા પ્રકોપને જોતા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી તથા પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોએ ગરમીથી બચવા વિશેષ કાળજી રાખવી હિતાવહ છે. આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે, જેના કારણે ખેતી અને પશુપાલન પર પણ તેની અસર જોવા મળી શકે છે.