તબીબોને સોંપાઈ જવાબદારી – સરકારી હોસ્પિટલમાં રખડતા શ્વાન મુદ્દે આરોગ્ય વિભાગનો નવો આદેશ

By: Nation Gujarat Team
27 Feb, 2026

શિક્ષકો બાદ હવે તબીબોને શ્વાનની ગણતરી સોંપવામાં આવતા વિવાદ સર્જાયો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ હવે સરકારી હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC), અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ના સંકુલમાં કેટલા રખડતા શ્વાનો છે, તેની ગણતરી કરવાની જવાબદારી સરકારી તબીબો અને સ્ટાફને સોંપવામાં આવી છે.

વધારાની જવાબદારી સોંપાતા તબીબી આલમમાં કચવાટ 
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં zee 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. જેમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં શ્વાનના આંટા ફેરા જોવા મળ્યા હતા. જે જગ્યાએ દર્દીઓના ખાટલા છે તે જ લોબીમાં શ્વાન આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હજુ શ્વાન રખડતા જોવા મળે છે. તંત્ર સુપ્રીમ કોર્ટના આદેશને ઘોડીને પી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જોકે સરકારી તબીબોને જ્યારે દર્દીઓની સારવાર અને વહીવટી કામગીરીનું ભારણ હોય છે, ત્યારે આ પ્રકારે શ્વાનોની ગણતરી કરવાની વધારાની જવાબદારી સોંપાતા તબીબી આલમમાં કચવાટ જોવા મળી રહ્યો છે. અનેક ડોક્ટરોનું માનવું છે કે આ કામગીરી અન્ય એજન્સીઓ કે નગરપાલિકાના સ્ટાફ પાસે કરાવવી જોઈએ. જોકે, જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આ સુપ્રીમ કોર્ટનો આદેશ હોવાથી તેનું પાલન કરવું અનિવાર્ય છે. PHC ના સ્ટાફ દ્વારા જ ગણતરી કરવામાં આવશે અને નક્કી કરેલી વર્કશીટમાં આ આંકડાઓ ભરીને મોકલવાના રહેશે.

શ્વાન કેમ્પસમાં આવે અને પરત પણ ફરી જાય છે
હોસ્પિટલના RMO ડો. હર્ષદ દૂસરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર તો કરી દીધો છે. પરંતુ શ્વાન કેમ્પસમાં આવે અને પરત પણ ફરી જાય છે. તો ગણતરી કઈ રીતે કરવી તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ગણતરી ડોકટરોએ કરવાની નથી. તેને સ્ટાફનું ધ્યાન દોરવાનું છે. રાજકોટ મહાનગરપાલિકા શ્વાન પકડવા મદદ કરે તો જ આ શક્ય છે.

રાજ્ય કક્ષાએથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો
રાજકોટ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આર.આર. ફૂલમાળી દ્વારા આ બાબતે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના કમ્પ્લાયન્સ માટે રાજ્ય કક્ષાએથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં અધિક નિયામક આરોગ્ય, મેડિકલ સર્વિસિસ અને એજ્યુકેશન એમ ત્રણેય વિભાગોના સહી-સિક્કા સાથે સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાની તમામ PHC, CHC, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજોના પ્રીમાઈસીસમાં કેટલા શ્વાનો વસવાટ કરે છે તેની ચોક્કસ સંખ્યા જાણીને 3 માર્ચ સુધીમાં રિપોર્ટ સોંપવાનો રહેશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ જે વોર્ડમાં દાખલ કરવામાં આવે છે તે લોબીમાં શ્વાન આંટા મારતા હોવાનું કેમેરામાં કેદ થયું છે સુપ્રીમ કોર્ટે પણ આદેશ આપ્યો હતો કે સિવિલ હોસ્પિટલ સરકારી કચેરીઓ શાળાઓના કેમ્પસ ની અંદર શ્વાન ન હોવા જોઈએ તેમ છતાં પણ આ પોરતંત્ર સુપ્રીમ કોર્ટના આદેશને હોળીને પી ગયું હોય તેવું લાગી રહ્યું છે.


Related Posts

Load more