Commonwealth Games Controversy: ગુજરાતમાં રાષ્ટ્રમંડળ રમતોત્સવ (CWG) ના આયોજનને લઈને કૉંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો પર ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આકરો જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે CWG માત્ર ગુજરાતના ખેલાડીઓ માટે નથી, પરંતુ દેશના તમામ રાજ્યોના ખેલાડીઓ અમારો પરિવાર અને મહેમાન છે. ગુજરાતનું સ્પોર્ટ્સ માળખું સમગ્ર દેશના રમતવીરો માટે ખુલ્લું છે અને “આપણે બધા એક જ છીએ” ની ભવના સાથે સરકારે દેશના ખેલાડીઓ માટે પોતાના દરવાજા હંમેશા ખુલ્લા રાખ્યા છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે સરકારે ‘ખેલો ઈન્ડિયા’ના બજેટમાં પણ મોટો વધારો કર્યો છે.
કોંગ્રેસે શું લગાવ્યો હતો આરોપ
ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ (CWG) ના આયોજનને લઈને રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસે તમામ મોટા આયોજનોના ઠેકા માત્ર ગુજરાતને જ શા માટે આપવામાં આવે છે તેવો સવાલ ઉઠાવ્યો હતો. કૉંગ્રેસે દલીલ કરી હતી કે દેશમાં હરિયાણા રાજ્ય સૌથી વધુ મેડલ જીતે છે, તેથી ગુજરાતની સાથે હરિયાણાને પણ આ રમતોત્સવનું યજમાન બનાવવું જોઈએ.
નોંધનિય છે કે, વિદેશ પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં રમતગમત અને યુવા વિકાસને નવી દિશા મળી છે. ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ દ્વારા ફિટનેસને જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જ્યારે યુવાનોને નશાની કુટેવોથી દૂર રાખવા માટે ચલાવવામાં આવેલા નશામુક્ત ભારત અભિયાનથી સ્વસ્થ, સજાગ અને સશક્ત યુવા શક્તિના નિર્માણને નવી ગતિ મળી છે.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રમતગમત ક્ષેત્રના બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે દેશમાં રમતગમતનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું છે તેમજ ખેલાડીઓને વિશ્વસ્તરીય તાલીમ, સુવિધાઓ અને પ્રોત્સાહન ઉપલબ્ધ બન્યાં છે. પરિણામે ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દેશનું ગૌરવ વધારી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ-2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સના આયોજનના અનુસંધાને ગુજરાતમાં વિવિધ સ્તરે જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિશ્વસ્તરીય રમતગમતનું માળખું વધુ મજબૂત બને અને રાજ્ય આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓના સફળ આયોજન માટે સજ્જ બને તે માટે રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે કાર્ય કરી રહી છે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે ભારત અને ગુજરાતના યુવા ખેલાડીઓને વધુ સારી તકો, આધુનિક સુવિધાઓ અને પ્રોત્સાહન મળી રહે તે માટે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર સંકલિત પ્રયાસો કરી રહી છે. રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશ અને ગુજરાતનું ગૌરવ વધારે તે માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.