સુપ્રીમ કોર્ટે બુધવારે 31 વર્ષના એક યુવકને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે. ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણા છેલ્લા 13 વર્ષથી કોમામાં છે. હરીશ હાલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે અને દેશમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો છે.જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે એઈમ્સ (AIIMS) ને નિર્દેશ આપ્યો છે કે, હરીશ રાણાને પેલિએટિવ કેર (Palliative Care)માં દાખલ કરવામાં આવે, જેથી જીવનરક્ષક સારવારને તબક્કાવાર રીતે હટાવી શકાય.અદાલતે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા એવી રીતે હાથ ધરવી જોઈએ કે જેથી દર્દીની ગરિમા જળવાઈ રહે. માતા નિર્મલા રાણા અને પિતા અશોક રાણાએ ઈચ્છામૃત્યુ માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
દિલ્હીમાં જન્મેલા હરીશ રાણા ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી બીટેકનો અભ્યાસ કરી રહ્યા હતા. 2013માં તેઓ હોસ્ટેલના ચોથા માળેથી પડી ગયા. આને કારણે તેમના આખા શરીરમાં લકવો થઈ ગયો અને તેઓ કોમામાં ચાલ્યા ગયા. તેઓ ન કંઈ બોલી શકે છે કે ન કંઈ અનુભવી શકે છે.ડોક્ટરે જણાવ્યું છે કે દીકરાના મગજની નસો સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે. તેની સારવાર માટે તેમને દિલ્હીના દ્વારકામાં પોતાનું ઘર વેચવું પડ્યું. હવે તેઓ ગાઝિયાબાદના બે રૂમના એક ફ્લેટમાં રહે છે. અશોક રાણા તાજ કેટરિંગમાં નોકરી કરતા હતા. ત્યાંથી નિવૃત્ત થયા પછી હવે તેમને દર મહિને 3600 રૂપિયા પેન્શન મળે છે.શનિવાર અને રવિવારે ગાઝિયાબાદના એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં સેન્ડવીચ અને બર્ગર વેચે છે જેથી કોઈક રીતે ઘરનો ખર્ચ અને દીકરાની સારવાર થઈ શકે. તેઓ કહે છે કે હવે તેમની પાસે દીકરાની સારવાર માટે પૈસા નથી તેથી તેઓ કોર્ટ પાસેથી ઇચ્છામૃત્યુ માગી રહ્યા છે.હરીશ રાણાની માતા નિર્મલા રાણાનું પણ એ જ કહેવું છે કે તેઓ તેના સાજા થવાની આશા ગુમાવી ચૂક્યા છે. તેમના પછી દીકરાને જોનારું કોઈ નથી. હરીશનો એક મહિનાનો મેડિકલ ખર્ચ ઓછામાં ઓછો 25-30 હજાર રૂપિયા છે. નિર્મલા કહે છે કે તેમના દીકરા સાથે જે થઈ રહ્યું છે તે ભગવાન ન કરે કે બીજા કોઈ સાથે થાય.
ડોકટરોએ હરીશને ક્વાડ્રિપ્લેજિયા બીમારીથી પીડિત જાહેર કર્યો. આમાં દર્દી સંપૂર્ણપણે ફીડિંગ ટ્યુબ એટલે કે ખાવા-પીવાની નળી અને વેન્ટિલેટર સપોર્ટ પર નિર્ભર રહે છે. આમાં રિકવરીની કોઈ શક્યતા હોતી નથી.માતા-પિતા હરીશની ઇચ્છામૃત્યુ ઇચ્છે છે, કારણ કે લગભગ 13 વર્ષથી પથારીવશ હોવાને કારણે હરીશના શરીર પર બેડસોર્સ એટલે કે ઊંડા ઘા પડી ગયા છે. તેમની હાલત સતત ખરાબ થતી જઈ રહી છે.આ સ્થિતિ હરીશ માટે ખૂબ જ પીડાદાયક છે. પરિવાર માટે તેમને આવા જોવા માનસિક રીતે અત્યંત મુશ્કેલ બની ગયું છે. વેન્ટિલેટર, દવાઓ, નર્સિંગ અને દેખભાળ પર ઘણા વર્ષોથી એટલો ખર્ચ થઈ ચૂક્યો છે કે પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો છે.જસ્ટિસ પારડીવાલાએ અમેરિકન ધર્મગુરુ હેનરી વોર્ડ બીચરના શબ્દો ટાંકીને કહ્યું હતું કે, “ઈશ્વર મનુષ્યને એ નથી પૂછતા કે તે જીવન સ્વીકારે છે કે નહીં, તેણે જીવન જીવવું જ પડે છે.”તેમણે વિલિયમ શેક્સપીયરના પ્રખ્યાત નાટક ‘હેમ્લેટ’ની પંક્તિ “To be or not to be”નો ઉલ્લેખ કરતા કહ્યું કે, અદાલતોએ ઘણીવાર આ પ્રકારના પ્રશ્નોના સંદર્ભમાં ‘મૃત્યુના અધિકાર’ પર વિચાર કરવો પડે છે.
બે આધારો પર નિર્ણય
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે લાઈફ સપોર્ટ હટાવવાનો નિર્ણય બે મુખ્ય આધારો પર હોવો જોઈએ:અદાલતે વધુમાં સ્પષ્ટ કર્યું કે, ડોક્ટરની ફરજ દર્દીની સારવાર કરવાની છે, પરંતુ જ્યારે દર્દીના સાજા થવાની કોઈ જ શક્યતા ન હોય, ત્યારે આ ફરજ તે જ સ્વરૂપમાં કાયમ રહેતી નથી.
ભારતના બંધારણમાં ઈચ્છામૃત્યુ અંગે શું કાયદો છે?
વર્ષ 2005માં ‘કોમન કોઝ’ નામની એક NGOએ પેસિવ યુથેનેશિયા એટલે કે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુના અધિકારની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આ અરજી પર 9 માર્ચ 2018ના રોજ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ (CJI) દીપક મિશ્રાની આગેવાની હેઠળની 5 જજોની બેન્ચે ઈચ્છામૃત્યુને કાયદેસરની માન્યતા આપી હતી.
ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે: આઅધિકાર ભારતીય બંધારણની કલમ 21નો ભાગ છે, જે સન્માનપૂર્વક જીવવાના અધિકારની સાથે સન્માનપૂર્વક મૃત્યુ પામવાનો અધિકાર પણ આપે છે.
ઈચ્છામૃત્યુ અંગેના નિયમો શું છે?
2018માં પેસિવ યુથેનેશિયાને કાયદેસરતા આપતી વખતે સુપ્રીમ કોર્ટે આ માટે બે પ્રકારના નિયમો બનાવ્યા હતા:
1. જ્યારે દર્દીએ પહેલેથી ‘લિવિંગ વિલ’ લખી રાખી હોય: જ્યારે દર્દી માનસિક રીતે સ્વસ્થ હોય ત્યારે જ પોતાની ઈચ્છા મુજબ ‘લિવિંગ વિલ’ તૈયાર કરે છે. આ વિલમાં સ્પષ્ટપણે લખવામાં આવે છે કે જો દર્દીની બીમારી અસાધ્ય બની જાય અને તે ક્યારેય સાજો ન થઈ શકે તેવી સ્થિતિમાં હોય, તો તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ પરથી હટાવી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ માટે પણ કેટલાક નિયમો નક્કી કર્યા છે:
18 વર્ષથી વધુ ઉંમરની અને સ્વસ્થ વ્યક્તિ જ લિવિંગ વિલ લખી શકે છે.દર્દીએ બે સાક્ષીઓની હાજરીમાં લિવિંગ વિલ પર સહી કરી હોવી જોઈએ.
દસ્તાવેજોની ખરાઈ (વેરિફિકેશન) જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી હોવી જોઈએ.
સારવાર કરનાર ડોક્ટર, હોસ્પિટલનું મેડિકલ બોર્ડ અને જિલ્લા સ્તરના એક બાહ્ય મેડિકલ બોર્ડની મંજૂરી લેવી અનિવાર્ય છે. બંને બોર્ડની મંજૂરી બાદ જ વેન્ટિલેટર જેવી લાઈફ સપોર્ટ સિસ્ટમ બંધ કરી શકાય છે.આ સમગ્ર પ્રક્રિયા વિશે પરિવારને જાણ કરવામાં આવે છે. કોઈ પણ વિવાદની સ્થિતિમાં હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે.
2. જ્યારે કોઈ લિવિંગ વિલ ન હોય: જ્યારે દર્દી ભાનમાં હોય ત્યારે લિવિંગ વિલ નથી બનાવતો, તો તેનો પરિવાર અથવા નજીકના સંબંધીઓ આ નિર્ણય લઈ શકે છે. જોકે, આ પ્રક્રિયા એટલી સરળ નથી. આ માટે 2018માં સુપ્રીમ કોર્ટે બનાવેલા નીચે મુજબના નિયમોનું પાલન કરવું પડે છે:
હોસ્પિટલના ડોક્ટરોનું એક બોર્ડ દર્દીની સ્થિતિ તપાસીને રિપોર્ટ તૈયાર કરે છે.ત્યારબાદ કલેક્ટર 3 થી 5 નિષ્ણાતોનું બીજું મેડિકલ બોર્ડ બનાવે છે, જે આ રિપોર્ટની તપાસ કરે છે.બંને બોર્ડ સહમત થાય પછી આ નિર્ણયને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે મોકલવામાં આવે છે.
મેજિસ્ટ્રેટ દર્દીને મળીને અંતિમ નિર્ણય લે છે. જો આમાં કોઈ વિવાદ થાય, તો હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે.હરીશ રાણાનો કેસ ભારતમાં પેસિવ યુથેનેશિયાનો એવો પ્રથમ કિસ્સો છે, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ખરેખર તો, 2018ના ‘કોમન કોઝ’ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નિયમો બનાવ્યા હતા, પરંતુ અત્યાર સુધી તે કોઈ કેસમાં લાગુ થયા નહોતા. હરીશનો કેસ પ્રથમ છે જેમાં આ નિયમોનો અમલ થઈ રહ્યો છે.11 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી AIIMSને આદેશ આપ્યો છે કે તેઓ એક બીજું મેડિકલ બોર્ડ બનાવે જે હરીશ રાણાની સ્થિતિની તપાસ કરે. આ કેસમાં પ્રાઈમરી અને સેકન્ડરી મેડિકલ બોર્ડની પ્રક્રિયા કોર્ટની દેખરેખ હેઠળ ચાલી રહી છે.જોકે, 2011ના અરુણા શાનબાગ કેસે પેસિવ યુથેનેશિયાને પ્રથમ વખત કાયદેસર બનાવ્યું હતું, જે 2018ના ‘કોમન કોઝ’ કેસનો આધાર બન્યું હતું.