અમદાવાદઃ હરવા-ફરવાના શોખીન લોકો અમેરિકા, કેનેડા, દુબઈ જેવી જગ્યાઓ પર જવાની ઈચ્છા રાખતા હતા. મૂળ પાટણનો અને વડોદરામાં નોકરી કરતો દર્શિલ ઠક્કર પણ અમેરિકામાં ફરવા માટે ગયો હતો, જોકે, આ દરમિયાન એક ગોઝારી અકસ્માતની ઘટનામાં તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. દર્શિલ વિઝિટર વિઝા પર અમેરિકા ફરવા માટે ગયો હતો. આ દરમિયાન 31મી જુલાઈએ થયેલા અકસ્માતમાં તેનું મોત થઈ ગયું છે. દર્શિલનો અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો મૃતદેહ ભારત લાવી શકાય તેમ નથી આથી તેના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકા પહોંચીને દર્શિલ પિતા સાથે વાત કરતો ત્યારે કહેતો હતો કે તેમને તથા ઘરના અન્ય લોકોને લઈને અહીં આવીશ, અહીં ફરવાની મજા આવે છે. હવે સવાલ એ થાય છે કે શું દર્શિલનો જીવ બચી શકે તેવી સ્થિતિ હતી કે નહીં? પાટણમાં રહેતા દર્શિલના પિતા રમેશભાઈએ ઘટના અંગે વાત કરીને કહ્યું કે, મારો દીકરો વિઝિટર વિઝા પર અમેરિકા ફરવા માટે ગયો હતો. ત્યાં તેને પોતાના મિત્રો સાથે ફરવાની મજા આવતી હતી અને તે કહેતો હતો કે પપ્પા મને ઈચ્છા છે કે તમે પણ અહીં ફરવા માટે આવો.. જોકે, આ પછી મારે તેની સાથે કોઈ વાત થઈ નથી. એનો ફોન પડી ગયો હોય કે શું થયું હોય તે ખબર નથી પરંતુ એ પછી મારે તેની (દર્શિલ) સાથે વાત થઈ નથી.
રમેશભાઈએ કહ્યું કે, દર્શિલ સાથે સંપર્ક કરવાનો તેના ભાઈ દ્વારા વારંવાર પ્રયાસ કરવામાં આવતો હતો ત્યારે અજાણી વ્યક્તિએ ફોન ઉપાડીને વાત કરીને જણાવ્યું કે દર્શિલનો અકસ્માત થયો છે, અહીં અમેરિકામાં તમારું કોઈ જાણકાર હોય તે તેમને કહો કે તેઓ અહીં પહોંચે. દર્શિલના ભાવિક દેસાઈ નામના મિત્રને ઘટના અંગે જાણ કરવામાં આવ્યા બાદ તે તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. આ પછી દર્શિલને હોસ્પિટલ લઈ જવાની સહિતની કામગીરી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દર્શિલના જે પુરાવા હતા તે પણ રજૂ કરવામાં આવ્યા હતા. વારંવાર વિનંતી કરવા છતાં દર્શિલના મિત્રને હોસ્પિટલની અંદર જવાની મંજૂરી આપવામાં નહોતી આવી. પરિવારના અન્ય સભ્યએ ઘટના અંગે માહિતી આપીને જણાવ્યું કે, દર્શિલ એપ્રિલ મહિનામાં અમેરિકા ફરવા માટે ગયો હતો, 31મી જુલાઈએ તે વોકિંગ કરવા માટે નીકળ્યો હતો અને આ દરમિયાન રોડ ક્રોસ કરવા જઈ રહ્યો હતો, સિગ્નલ બંધ હતું પરંતુ એકાએક સિગ્નલ ખુલી જતા તેના તરફ ગાડીઓ આવવાની શરુ થઈ ગઈ હતી. આમ એક પછી એક એમ 14 ગાડીઓ તેના પર ફરી વળી હતી. મિત્ર દ્વારા પરિવારને માહિતી આપવામાં આવી હતી કે દર્શિલનો અકસ્માત થયો છે અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. આ દરમિયાન દર્શિલ વિશે સમાચાર મળ્યા કે તેનું મોત થઈ ગયું છે. આ પછી રાજ્યસભાના સાંસદ, સિધ્ધપુરના ધારાસભ્ય અને મુખ્યમંત્રીના સંપર્કમાં રહીને દર્શિલનો મૃતદેહ ભારત લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા, આ દરમિયાન PMOમાંથી પણ વિગતો મગાવવામાં આવી હતી અને તે પૂરી પાડવામાં આવી હતી. જોકે, અમેરિકામાં તેનું પોસ્ટમોર્ટમ થયા બાદ ડૉક્ટરોએ જણાવ્યું કે તેનો મૃતદેહ ભારત લઈ જઈ શકાય તેમ નથી માટે પરિવારે બેસીને તેના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ થઈ જાય તેવો નિર્ણય કર્યો હતો.