Ambalal Patel’s statement: ગુજરાતના હવામાન જાદુગર અંબાલાલ પટેલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. પોતાની આગવી શૈલીમાં હવામાનની આગાહીઓ કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે તાજેતરમાં આપેલા નિવેદન બાદ રાજ્યના રાજકારણ અને હવામાન વિભાગની આગાહીઓ વચ્ચે એક નવો વળાંક આવ્યો છે. એક તરફ વિરોધ અને બીજી તરફ ખેડૂતોનો વિશ્વાસ – આ બંનેની વચ્ચે અંબાલાલ પટેલે પોતાની આગવી મક્કમતા દર્શાવી છે.
વિરોધીઓને આપ્યો મુંહતોડ જવાબ
હવામાનની આગાહીઓને લઈને છેલ્લા કેટલાક સમયથી અંબાલાલ પટેલની આકરી ટીકાઓ થઈ રહી છે અને કાયદાકીય ગૂંચવણોના અહેવાલો પણ વહેતા થયા છે. જોકે, આ તમામ વિવાદોને ફગાવી દેતા અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેઓ કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ લેતા નથી, તેથી તેમના પર કોઈ કાયદાકીય પગલાં લેવા યોગ્ય નથી. તેમણે વિરોધીઓને આડે હાથે લેતા કહ્યું કે, “આગાહી તો થશે જ, જેને માનવું હોય તે માને, ન માનવું હોય તો કંઈ નહીં.”
પરંપરાગત જ્ઞાન અને વર્ષોના અનુભવના આધારે આગાહી
અંબાલાલ પટેલ હંમેશા તેમના પરંપરાગત જ્ઞાન અને વર્ષોના અનુભવના આધારે આગાહી કરવા માટે જાણીતા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, તેઓ જે કંઈ પણ આગાહીઓ કરે છે તે સંપૂર્ણપણે પરંપરાગત જ્ઞાન પર આધારિત હોય છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હંમેશા ખેડૂતો અને સામાન્ય જનતાનું હિત રહ્યો છે. ખેડૂતોને ક્યારે વાવણી કરવી કે ક્યારે પાકની લણણી કરવી, તેમાં મદદરૂપ થવાના હેતુથી જ તેઓ હવામાનના મોરચે તૈનાત રહે છે.
અંબાલાલે કહ્યું- હવે કાયદાકીય જ્ઞાન સાથે આગાહી
ગાંધીનગર ખાતે મીડિયા સાથેની વાતચીતમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, હાલ તેઓ તેમની આગાહીઓ અંગે ઊંડો વિચાર-વિમર્શ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, વિવાદોથી ડરવાને બદલે તેઓ વધુ મજબૂતીથી કામ કરશે. અંબાલાલ પટેલે ઉમેર્યું કે, “આગામી સમયમાં હું વધુ કાયદાકીય જ્ઞાન મેળવીશ અને તે બાદ ખૂબ જ સ્પષ્ટતા અને સીધી રીતે આગાહીઓ કરીશ.”
હવામાનની આગાહીઓ પર ચર્ચાઓનું બજાર ગરમ
ભલે ગમે તેટલા વિવાદોના ‘વાવાઝોડા’ ફૂંકાય, પરંતુ અંબાલાલ પટેલ પોતાની આગાહીઓ કરવા માટે મક્કમ છે. ખેડૂતો માટે તેમનું માર્ગદર્શન કેટલું મહત્વનું છે તે તો સમય જ કહેશે, પરંતુ અંબાલાલના આ આક્રમક તેવરે રાજ્યમાં ફરી એકવાર હવામાનની આગાહીઓ પર ચર્ચાઓનું બજાર ગરમ કરી દીધું છે.