સુરત: વાઘેશ્વર ગામે ખેડૂત દંપતી પર મધમાખીઓના ઝુંડે કર્યો હુમલો, ગંભીર રીતે ઘાયલ પતિનું મોત, પત્ની સારવાર હેઠળ

By: Krunal Bhavsar
08 Dec, 2025

Surat News: મહુવા તાલુકાના વાઘેશ્વર ગામે ખેતરમાં પશુઓ માટે ઘાસચારાની કાપણી કરેલી રહેલા દંપતી પર મધમાખીના ઝુંડે ઘાતક હુમલો કર્યો હતો. જેમાં પતિનું  ટૂંકી સારવાર બાદ મોત થયું છે જ્યારે પત્ની હોસ્પિટલમાં દાખલ છે.

દંપતી પર મધમાખીઓનું મોટું ઝુંડ ત્રાટક્યું

પ્રાથમિક માહિતી અનુસાર 7 ડિસેમ્બરના રોજ સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાઘેશ્વર ગામે રહેતા જીતુભાઈ સુમનભાઈ પટેલ (ઉં.વ. 45) ખેતીવાડીમાં કામ કરી હતા. તેમની સાથે પત્ની પણ હતી. ખેતી કામ પૂર્ણ કરીને તેઓ પશુઓ માટે ઘાસચારો કાપી રહ્યા હતા. તેવા અચાનક મધમાખીઓનું મોટું ઝુંડ ત્રાટક્યું હતું.

બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા

મધમાખીઓનો હુમલો એટલો ખતરનાક હતો કે જીતુભાઈએ બચવાનો પ્રયાસ કર્યો હતો પણ દોડતા દોડતા ઉપરાછાપરી ડંખના કારણે તેઓ નીચે પડી ગયા હતા. તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. પત્ની પણ મધમાખીના જીવલેણ એટેકનો શિકાર બની હતી. દંપતીની બૂમો સાંભળી બાજુના ખેતરમાં હાજર લોકો મદદે દોડી આવ્યા હતા. બંનેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ટાંકલ સ્થિત CHC હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ગામમાં માતમ છવાઈ ગયો

આજે સારવાર દરમિયાન જીતુભાઈનું મોત થયું છે. મોભીનું અકાળે અવસાન થતાં પરિવાર શોકાતુર બન્યો છે. વાઘેશ્વર ગામમાં માતમ છવાઈ ગયો છે. આ મામલે મહુવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મઘમાખી ડંખના લક્ષણો

શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેમજ જ ગળામાં સોજો આવે છે. ચહેરા, હોઠ, જીભમાં સોજો આવવો, ચક્કર આવવા, બેભાન થઈ જવું તેમજ શરીર પર લાલ ફોડલાં અને ખંજવાળ આવે છે. વધુ ગંભીર સ્થિતિમાં પેટમાં ખેંચાણ, ઉલટી  થાય છે અને હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે જેથી માણસ મોતને ભેટે છે.


Related Posts

Load more