સુરત – ભાજપ કોર્પોરેટરના પુત્રએ કોન્ટ્રાક્ટર પર કર્યું ફાયરિંગ, પોલીસે કરી ધરપકડ

By: nationgujarat
02 Nov, 2023

સુરતમાં ભાજપના કોર્પોરેટર અજીત પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાએ સુરતમાં કોન્ટ્રાક્ટર સાથે બબાલ થતા ફાયરિંગ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે આ મામલે દિવ્યેશ ભેંસાણિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના ભેંસાણ ગામમાં ઈશ્વર કૃપા રેસીડેન્સીની સાઈટ પર કોન્ટ્રાક્ટર સાથે દિવ્યેશની માથાકૂટ થઈ હતી. જેને લઈ દિવ્યેશે દીવાલ પર એક રાઉંડ ફાયરિંગ કર્યું હતું.

વોર્ડ 1ના કોર્પોરેટર અને બિલ્ડર અજિત ઈશ્વર પટેલના પુત્ર

સુરત ભાજપ વોર્ડ 1ના કોર્પોરેટર અને બિલ્ડર અજિત ઈશ્વર પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાએ લેબર કોન્ટ્રાકટર અલ્પેશ ભાંભોર પર ફાયરિંગ કર્યું હતું. જોકે મિસ ફાયરિંગ થતાં મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા પાલ પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી અને દિવ્યેશની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

ફાયરિંગની ઘટના ભેંસાણ રોડ પર આવેલ નિર્માણધીન ઈશ્વર કૃપા સોસાયટીના બાંધકામ સાઇટ પર બની હતી. બાંધકામ સાઇટ પર કામ પૂર્ણ થઈ જતા લેબર કોન્ટ્રાકટર  પોતાના મજૂરોને અન્ય સાઇટ પર મુકી આવ્યો હતો. જેને લઇને દિવ્યેશ અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદ દિવ્યેશ તમામ લેબરોને અન્ય સાઈટ પરથી ઈશ્વરકૃપા સોસાયટીની બાંધકામ સાઇટ પર લઇ આવ્યો હતો. લેબર કોન્ટ્રાકટર અન્ય કોન્ટ્રાકટર હેઠળ બાંધકામ સાઇટ પર કામ કરે છે. જ્યાં બિલ્ડર પુત્ર અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે થયેલ માથાકૂટ બાદ ફાયરિંગ કરાયું હતું.

જોકે બાદમા ઘટનાની જાણ થતા પાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને દિવ્યેશ ભેંસાણિયાની ધરપકડ કરી હતી.

ગઇકાલે સુરતના બારડોલીમાંથી ભાજપના નેતા દારૂ પીધેલી હાલતમાં પકડાયો છે, આ નેતાએ પહેલા એક પાણીપુરી વાળી મહિલા સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં તેને ધમકી આપી હતી, જોકે, આ મામલે મહિલાએ પોલીસમાં અરજી કરી હતી, જે પછી પોલીસે ભાજપ નેતા કૌશલ પટેલને ઝડપી પાડ્યો હતો, આ સમયે તે દારૂ પીધેલા હાલતમાં મળ્યો હતો

બીજી તરફ વડોદરા ભાજપના ઓબીસી સેલનો મંત્રી નશાની હાલતમાં ઝડપાયો હતો. વોર્ડ નંબર ચારના મંત્રી અનુપ ઉર્ફે પપ્પુ ગઢવીની પોલીસે ધરપકડ કરી હતી. VIP રોડ પરની સિદ્ધાર્થ સોસાયટીમાં માથાકૂટ કરતા સ્થાનિકોએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


Related Posts

Load more