Ahmedabad Shahibag Underpass: અમદાવાદ શહેરમાં ભારે ટ્રાફિકની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. શહેરના મહત્ત્વના સુભાષ બ્રિજ અને ગિરધરનગર બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના લીધે આ વિસ્તારમાં ભારે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. પહેલાથી જ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે હવે વધુ એક મહત્ત્વનો રસ્તો બંધ થવાને કારણે અમદાવાદીઓની સમસ્યામાં વધારો થશે. માહિતી પ્રમાણે, શાહીબાગ અંડરપાસ આગામી 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી બંધ રહેશે.બુલેટ ટ્રેનની કામગીરીને લઈને અઠવાડિયા માટે શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. જેને લીધે એરપોર્ટ અને ગાંધીનગર તરફથી આવતા ટ્રાફિકને ભારે અસર થશે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલ બુલેટ ત્રણ પ્રોજેક્ટના કામને કારણે શાહીબાગ અંડરપાસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે શાહીબાગ અંડરપાસ પાસે એક મહત્ત્વનું સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે. જેને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્યારે હવે સુભાષ બ્રિજ અને ગિરધરનગર બ્રિજ બંધ થયા પછી વધુ એક મહત્ત્વનો રસ્તો બંધ થવાને કારણે શહેરીજનોએ ખાસ કરીને ઓફિસ અવર્સ દરમિયાન વૈકલ્પિક રૂટ પર નિર્ભર રહેવું પડશે. વાહનચાલકો માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. એરપોર્ટ, ગાંધીનગરથી શાહીબાગ, દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જતા વાહન માટે ડફનાળા રિવરફ્રન્ટ થઈને શિલાલેખ સોસાયટી તરફના રસ્તા પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે. જો કે આ રૂટ લેવો નાના વાહનો માટે સરળ રહેશે. પણ રિવરફ્રન્ટ પર રિક્ષા અને ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ છે, જેના માટે કોઈ વૈકલ્પિક માર્ગ સૂચવવામાં આવ્યો નથી.
આ સિવાય દિલ્હી દરવાજા તરફ જતી AMTS-BRTS બસના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવતા લોકોને વધારે હાલાકી ભોગવવી પડી શકે છે. ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જ કેટલાક દિવસો માટે મહત્ત્વનો માર્ગ બંધ રહેતા શાહીબાગ અને તેની આસપાસના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ શકે છે.