આ ચોંકાવનારો કિસ્સો ગુજરાતના અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારનો છે. અહીં વર્ષ 1997માં બનેલી એક એવી ઘટના બની હતી, જેમાં સતત 20 વર્ષ સુધી ન્યાય માટે લડત લડ્યા બાદ આખરે સુખદ અંત આવ્યો છે. આ કેસમાં એક પોલીસ કોન્સ્ટેબલને માત્ર 20 રૂપિયાની લાંચ લેવાના આરોપમાં સેશન્સ કોર્ટ દ્વારા સજા ફટકરવામાં આવી હતી.
20 રૂપિયાની લાંચમાં થઈ હતી ધરપકડ
ઘટના એવી છે કે, અમદાવાદના વેજલપુરમાં વર્ષ 1997માં એક પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિને માત્ર 20 રૂપિયાની લાંચ લેવાના આરોપ લાગ્યો હતો, જેમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ટ્રેપ ગોઠવી તેમની ધરપકડ કરવામાં આવી હતી. લાંચ લેવા મામલે કેસ કોર્ટમાં ચાલતા તે સમયે પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈને નામદાર સેશન્સ કોર્ટે તેમને દોષિત ઠેરવીને સજાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ બાબુભાઈ 2થી 3 મહિના જેલમાં રહ્યા હતા. સેશન્સ કોર્ટના ચુકાદાથી તેમની કારકિર્દી અને સામાજિક પ્રતિષ્ઠા પર મોટું જોખમ ઊભું થયું હતું.
અન્યાય સામે હાર ન માની કોર્ટના આદેશ પડકાર્યો
જો કે, આ અન્યાય સામે બાબુભાઈએ હારી ન માની અને સેશન્સ કોર્ટના આદેશને પડકારતા બાબુભાઈએ એડવોકેટ નીતિન ટી. ગાંધી મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. કોન્સેટેબલ દ્વારા ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં કરવામાં આવેલી અપીલ બાદ 20 વર્ષની લાંબી કાનૂની લડત લડ્યા બાદ તારીખ 04/02/2026ના રોજ નામદાર જજ એસ.વી. પિન્ટોએ કેસની ગંભીરતાને ધ્યાને લઈ બાબુભાઈ પ્રજાપતિને લાંચ લેવાના આરોપોમાંથી નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે.
છેલ્લા શબ્દો ભગવાન બોલાવી લે તો સારું
આખરે બે દાયકા સુધી લાંબી કાનૂની લડત લડ્યા બાદ હાઈકોર્ટે પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈને નિર્દોષ છોડ્યા પછી તેમના વકીલને મળવા માટે પહોંચ્યા હતા. જ્યારે વકીલે બાબુભાઈને આગળની કાયદાકીય પ્રક્રિયા વિશે પૂછ્યું, ત્યારે તેઓ હતાશામાં છેલ્લું નિવેદન આપતા કહ્યું હતું કે, હવે કેસમાંથી છૂટ્યો છું, કઈ કરવું નથી, હવે ભગવાન બોલાવી લે તો સારું. વકીલ સાથે થયેલી આ મુલાકાત બાદ બાબુભાઈ ઘરે પરત ફર્યા હતા. જ્યારબાદ રાત્રે તેમનું આકસ્મિક મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈનું હાર્ટ એટેક આવવાને કારણે અવસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.