અમદાવાદમાં ભવ્ય આતશબાજી સાથે નવા વર્ષ 2026નું સ્વાગત, ગુજરાતના અનેક શહેરોમાં ઉજવણી

By: Krunal Bhavsar
31 Dec, 2025

નવા વર્ષ ની ઉજવણી : મધરાતે 12 વાગ્યે ઘડિયાળના ટકોરે વર્ષ 2026નું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ભારત સહિત ગુજરાતમાં પણ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં સી.જી.રોડ અને સિંધુ ભવન રોડ ‘હેપ્પી ન્યુ યર’ના શંખનાદ અને આનંદની ચિચિયારીઓ ગાજી ઉઠ્યો છે. આખું અમદાવાદ જાણે નવા વર્ષના વધામણાં કરવા રોડ પર ઉતરી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરનું આકાશ લાલ-પીળી આતશબાજીથી રંગીન થઈ ગયું છે. યુવાનોએ સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં પણ રંગે ચંગે ડાન્સ પાર્ટી અને ગીતો સાથે વર્ષ 2026ને ઉમળકાભેર આવકાર્યું છે.

 

અમદાવાદ વરસાદી વાતાવરણ વચ્ચે યુવાહૈયા ધબક્યા અને ઝૂમ્યા

31 ડિસેમ્બરની રાત્રે અમદાવાદના હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. ત્યારબાદ બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ, સેટેલાઈટ, પાકવાન ચાર રસ્તા, ઘુમા સહિત સમગ્ર એસ.જી. હાઈવે પર સામાન્ય વરસાદ પડ્યો હતો. વર્ષના છેલ્લા દિવસે શહેરમાં અનેક પાર્ટી પ્લોટ ઉજવણીનું આયોજન કરાયું હતું. પણ વરસાદી વાતાવરણ બની જતાં આયોજકોમાં હાંફળાફાંફળા થઈ ગયા હતા. જોકે યુવાનોએ રંગમાં ભંગ પડવા દીધો ન હતો. વરસાદની વચ્ચે પણ ક્લબ-પાર્ટી પ્લોટમાં ડીજે સંગ યુવાહૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા.

અમદાવાદમાં 12,000 જવાનો ઊભા પગે

સીજી રોડ અને સિંધુભવન રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં રાત્રે 8થી 1 વાગ્યા સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ રસ્તાઓ પર લોકો ચાલીને ન્યુ યરની ઉજવણી કરી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ, એસ. જી. હાઇવે, પ્રહ્લાદનગર, વસ્ત્રાપુર અને એસપી રિંગ રોડ સહિતના 15 મુખ્ય સ્થળોએ ભારે ભીડ એકત્ર થઈ છે. ઉજવણીના આનંદમાં કોઈ પલિતો ન ચંપાય તે માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસે કમર કસી છે. કુલ 12,000 પોલીસ કર્મચારીઓ ડ્રોન અને બોડીવોર્ન કેમેરા સાથે સ્ટેન્ડ-ટુ રહ્યા છે.


Related Posts

Load more