સોમનાથમાં રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કરશે સરકાર, આવતીકાલથી શરૂ થશે ચિંતન શિબિર

By: nationgujarat
20 Nov, 2024

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા નિયમિત સમયે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે ચિંતન શિબિરનું આયોજન 21 નવેમ્બરથી કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનારી ચિંતન શિબિર યાત્રાધામ સોમનાથ ખાતે યોજાશે. આ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ, રાજ્ય સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓ સામેલ થશે.વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ વહિવટી અને પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ-૨૦૦૩થી ચિંતન શિબીરની શૃંખલા શરૂ કરાવી છે.

આ પરંપરાને આગળ વધારતાં ૧૧મી ચિંતન શિબીર મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવઓ, ખાતાના વડાઓ તથા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સક્રિય સહભાગીતાથી યોજાવાની છે.

આ ૧૧મી ચિંતન શિબીરમાં જે વિષયો જુથ ચર્ચા અને ચિંતન-મંથન માટે પસંદ કરવામાં આવ્યા છે તેમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે.

ચિંતન શિબીરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામુહિક યોગથી થશે. એટલું જ નહિ, સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ, આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો પણ યોજાવાના છે.

આ ત્રિદિવસીય શિબીરના સમાપન અવસરે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરાશે.


Related Posts

Load more