Agirculture : ખેડૂતોની ખેત વીજળીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જેમાં ખેત વીજળી 8 કલાક ના બદલે 10 કલાક અપાશે. વરસાદ ખેંચાતા એક મહિના સુધી 10 કલાક વીજળી આપવા નિર્ણય કરાયો છે અને રાજ્યના ઉર્જા વિભાગે વીજ કંપનીઓને આપી સૂચના જેમાં પાક વાવેતર ઉપર અસર ના થાય તે માટે જે વિસ્તારમાંથી માંગણી આવે તેને ધ્યાને લઈ કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.
ગુજરાતના ખેડૂતોને આજે રાજય સરકારે મોટી ભેટ આપી છે, ખેતીના પાકને લઈ કોઈ નુકસાની ના જાય તેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે અને તેને લઈ રાજય સરકાર ચિંતિત થઈ છે અને ઉર્જા વિભાગે આ નિર્ણય લીધો છે.
રાજ્યના ખેડૂતોને ખેતીવાડી માટે નિયમિત મળતી 8 કલાકની વીજળીના બદલે સળંગ 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે. સરકારનો આ નિર્ણય આગામી એક મહિના સુધી અમલી રહેશે અને વીજ કંપનીઓને પણ સૂચના આપવામાં આવી છે કે, ખેડૂતોને વીજળી સમય પ્રમાણે મળવી જોઈએ.
રાજ્યના ઊર્જા વિભાગે ગુજરાતની તમામ સરકારી વીજ કંપનીઓને તાત્કાલિક અસરથી આ આદેશનો અમલ કરવા માટે કડક સૂચનાઓ આપી દીધી છે. ખાસ કરીને જે વિસ્તારોમાં વરસાદ ખેંચાયો હોય અથવા જ્યાં ઊભા પાકને પાણીની તાતી જરૂરિયાત હોય, તેવા વિસ્તારોની સ્થાનિક માંગણીઓને સર્વોચ્ચ અગ્રતા આપીને 10 કલાકનો વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે