ભાજપ-કોંગ્રેસ આજે એક દિવસમાં જ 18 હજાર ઉમેદવાર જાહેર કરશે

By: Nation Gujarat Team
10 Apr, 2026

પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે. ગુરુવારે (9 એપ્રિલે) સુરેન્દ્રનગર, વડોદરા, દાહોદ, અરવલ્લી, વાવ-થરાદ, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપ દ્વારા પાલિકા-પંચાયતના ઉમેદવારોની પસંદગી માટે ત્રણ દિવસીય પાર્લામેન્ટરી બેઠક યોજી હતી. જો કે, કેટલીક બેઠકોની ચર્ચા બાકી રહી ગઈ હોય આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. બેઠક મળ્યા બાદ તબક્કાવાર બાકી રહેતી પાલિકા-પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 192 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે માર્ગદર્શન પૂરું પાડવા અમદાવાદની તમામ વિધાનસભા દીઠ લીગલ નિષ્ણાંતોની ટીમ તૈયાર કરવામાં આવી છે. લીગલ ટીમો દ્વારા ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાયા પછી જ રીટર્નિંગ ઓફિસરને ફોર્મ સુપરત કરવામાં આવશે. દરેક ઉમેદવારને જરૂરી લીગલ ડોક્યુમેન્ટ સાથે રાખવા અને ફોર્મ સાથે સુપરત કરવા, ઉમેદવારી ફોર્મમાં આવશ્યક માહિતી અને વિગતો ભરવામાં મદદ કરવા, ઉમેદવારોએ કઈ જગ્યાએ ફોર્મ સુપરત કરવું, વગેરે માટે માર્ગદર્શન આપશે. આ લીગલ ટીમો દ્વારા ઉમેદવારોએ ભરેલી માહિતી અને વિગતો સાચી છે કે નહીં તેની ચકાસણી કરવી, ખૂટતા ડોક્યુમેન્ટ મંગાવવા, ઉમેદવારી ફોર્મ ભૂલેચૂકે રદ ન થાય તે માટે તમામ પગલાં લેવામાં આવશે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 10 ઉમેદવારો એવા છે કે જેઓ નગરપાલિકામાં પણ હતા. જેઓ ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા અને જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે, એમના પત્તા કપાયા છે. એમાં સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાનો પણ સમાવેશ થાય છે. પૂર્વ નગરપાલિકા ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનના પણ આ મહાનગરપાલિકા ચૂંટણીમાં પત્તા કપાયા છે.

વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠક માટે ભાજપાએ પોતાની યાદી જાહેર કરી દીધી છે. જો કે આ વખતે મોટાભાગની બેઠકોનું રોટેશન બદલાતા જે નવા ચહેરાઓની અપેક્ષા હતી તેના કરતા જુના જોગીઓના જ પરિવારજનોને ટિકિટો મળી હોવાનું ધ્યાને આવ્યું છે. મોટાભાગની બેઠકો ઉપર ધારાસભ્યોના નિકટના વ્યક્તિઓને જ ટિકિટ અપાઈ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જિલ્લાના પાંચ ધારાસભ્યોની દબદબો જિલ્લા પંચાયતની ઉમેદવારીમાં રહ્યો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

એક દિવસ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને બાદમાં ભાજપમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરનાર કિરણ રાઠોડને પણ સાચવી લેવામાં આવ્યા છે. સોખડા બેઠક ઉપર તેઓના પત્ની હેમા કિરણ રાઠોડને ટિકિટ આપીને ઘીના ઠામમાં ઘીની ઉક્તિ સાર્થક કરવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવી છે. અને કદાચ આ કમિટમેન્ટ સાથે જ કિરણ ઠાકોરને 24 કલાકમાં જ બ્રહ્મજ્ઞાન થયું હશે પુનઃ ભાજપમાં જોડાઈ ગયા છે. જો કે કેટલાક એમ પણ માની રહ્યા છે કે તેઓએ નાક દબાવીને ટિકિટ કઢાવી લીધી છે. તો વડોદરા તાલુકા પંચાયતની કેટલીક બેઠકોમાં પણ વિવાદ સર્જાય તેમ લાગી રહ્યું છે. તાલુકા પંચાયતની સયાજીપુરા તાલુકા પંચાયત બેઠક સામાન્ય હતી એમાં ઓબીસી ઉમેદવર બ્રિજેશ વાસુદેવ ઠાકોરને ટિકિટ આપતા કેટલાકમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ગ્રામ્ય કક્ષાનું રાજકારણ કેવા રંગ બતાવે છે તે જોવું રહ્યું.


Related Posts

Load more