અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં કેફેની આડમાં બેરોકટોક રીતે ચાલતા પ્રતિબંધિત “હુંક્કાબાર” પર પોલીસનો કાબુ માત્ર નામ પુરતો જ છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચે શનિવારે રાતના સમયે કરેલા સર્ચ ઓપરેશનમાં એલિસબ્રીજમાં આવેલા પ્રખ્યાત એવા “ઓલ્ડટી ટીસીસ” અને સિંધુભવન રોડ પર આવેલા “લોંજ કાસાનોવા”માંથી ગેરકાયદે હુક્કા બાર મળી આવ્યું હતું. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચે શનિવારે રાતના અલગ અલગ ટીમ બનાવીને શહેરના સિંધુભવન રોડ, કર્ણાવતી ક્લબ રોડ તેમજ એસ પી રીંગ રોડ પર આવેલા અલગ અલગ કેફેમાં દરોડા પાડીને હુક્કાબાર અંગે તપાસ કરી હતી.
જેમાં એલીસબ્રીજ ગુજરાત કોલેજ પાસે આવેલા આકાશ ગંગા કોમ્પ્લેક્સમાં આવેલા ઓલ્ડટી ટીસીસ લોંજ એન્ડ રેસ્ટોરન્ટમાં દરોડા દરમિયાન ત્રણ યુવકો હુક્કો પીતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી અલગ અલગ ફ્લેવર, ચીલમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી.ઉલ્લેખનીય છે કે ઓલ્ડ ટીસીસમાં અગાઉ પણ અનેકવાર હુક્કાબાર સંદર્ભમાં દરોડા પાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત, સિંધુભવન રોડ તાજ હોટલની ગલીમાં આવેલા લોંજ કાસાનોવા નામના કેફેમાંથી તપાસ કરતા હુક્કાબાર મળી આવ્યું હતું. આ બંને જગ્યાઓ પર તેમના નિયમિત ગ્રાહકોને વિશેષ સગવડ આપવામાં આવતી હતી. પોલીસે આ અંગે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.