ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી નાસિકમાં હતા અને અચાનક ત્યાં તેમની તબિયત બગડી. તેમને હાર્ટ એટેક આવ્યો છે. નાસિકમાં જ શ્રીજી હોસ્પિટલમાં તેમને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. મળતી માહિતી મુજબ હાલ તેમની તબિયત સુધારા પર છે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. ત્યારે આવા સમયે કોંગ્રેસના પ્રચાર માટે પરેશ ધાનાણી ત્યાં ગયા હતા અને નાસિકમાં તેમની તબિયત બગડી. મળતી માહિતી મુજબ તબિયત બગડતા તેમને ત્યાંની શ્રીજી હોસ્પિટલ ખસેડાયા અને ત્યારબાદ ડોક્ટરની દેખરેખ હેઠળ તેમની તાબડતોબ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. હવે તેમની તબિયત સુધારા પર હોવાનું કહેવાય છે. પરેશ ધાનાણીની અચાનક તબિયત બગડતા કોંગ્રેસના નેતાઓ તેમના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલે પહોંચ્યા. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 20 નવેમ્બરે થવાની છે. એક જ તબક્કામાં આ દિવસે મતદાન થશે. ત્યારબાદ તમામ 288 બેઠકો માટે 23 નવેમ્બરના રોજ મતગણતરી થશે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 105, શિવસેનાએ 56 અને કોંગ્રેસે 44 સીટો જીતી હતી. 2014માં ભાજપે 122, શિવસેનાએ 63, અને કોંગ્રેસે 42 સીટો જીતી હતી.